વર્ષ 2025 સુધી હળવી નાણાનીતિ જાળવવાના ચીનના અણસારે વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચશુદ્ધ સોનું રૂ. 421 વધીને ફરી રૂ. 77,000ની પાર, ચાંદી રૂ. 1175 ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે આગામી વર્ષ 2025માં હળવી નાણાનીતિનો અભિગમ અપનાવે તેવો અણસાર આપતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ભાવવધારો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 419થી 421નો ઉછાળો આવ્યો હતો અને શુદ્ધ સોનાના ભાવે ફરી રૂ. 77,000ની સપાટી કુદાવી હતા, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 1175નો ચમકારો આવ્યો હતો અને ભાવ રૂ. 92,000ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1175ની તેજી સાથે રૂ. 92,975ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગને ટેકે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 419 વધીને રૂ. 76,804 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 421 વધીને રૂ. 77,113ના મથાળે રહ્યા હતા.
Also read: સોનામાં રૂ. 96નો અને ચાંદીમાં રૂ. 370નો સાધારણ સુધારો
ચીનની કેન્દ્રવર્તી બૅન્કની છ મહિનાના લાંબા સમયગાળા બાદ સોનામાં લેવાલી નીકળતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કે આગામી વર્ષ 2025ની નાણાનીતિ માટેનું વલણ બદલીને હળવી નાણાનીતિ અપનાવવાનો અણસાર આપતાં સોનાની તેજીને ટેકો મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 2669.25 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 2691.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 31.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ચીને આર્થિક વૃદ્ધિ માટે તેની નાણાનીતિના વલણમાં 14 વર્ષ પછી પહેલી વખત બદલાવ લાવીને હળવી નાણાનીતિ અખત્યાર કરવાનુ જણાવ્યું હોવાથી વ્યાજદરમાં ઘટાડો થતાં સોનાની માગમાં વૃદ્ધિ થશે, એમ ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. વધુમાં ચીને જેવા સાથે તેવાની નીતિ અપનાવીને અમેરીકી એઆઈ કંપની એનવિડીયા સામે ઈજારાશાહી વિરુદ્ધના કાયદાના ભંગ બદલ તપાસ હાથ ધરી હોવાના અહેવાલોને કારણે પણ સોનામાં સલામતી માટેની માગ ખૂલી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
Also read: Gold Price Today: લગ્નગાળાની મોસમમાં સોનાની માંગ વધી, જાણો સોનાના લેટેસ્ટ ભાવ
ટ્રેડરોની નજર હવે આગામી 17-18 ડિસેમ્બરના રોજ યોજાનરી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કપાતના નિર્ણય માટે નિર્ણાયક પુરવાર થનારા ગત નવેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ છે. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 89 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.