વેપાર અને વાણિજ્ય

Goldમાં ₹163નો અને Silverમાં ₹424નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજરમાં ભાવ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હતુ અને ચાંદીના ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ ₹162થી 163નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ ₹424નો સુધારો આગળ ધપ્યો હતો.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ ₹424 વધીને ₹71,795ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10ગ્રામદીઠ ₹162 વધીને ₹62,427 અને 99.9ટચ સ્ટાન્ડર્ડ સોનાના ₹163 વધીને ₹62,678ના મથાળે રહ્યા હતા.


આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમને કારણે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ $2034.69 અને વાયદામાં ભાવ 0.4% વધીને $2033.50 આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઔંસદીઠ $23.20ની સપાટીએ ટકેલા રહ્યા હતા.


અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પશ્ચાત્ર ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્યમાં ભવિષ્યના વરતારા પર અને સપ્તાહના અંતે જાહેર થનારા જોબ ડેટા પર બજાર વર્તુળોની નજર છે. જોકે, ગઈકાલે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમં સુધારો જોવા મળ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું.


બજાર વર્તુળો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ પાંચ વખત વ્યાજદરમાં કાપ મૂકશે અને કપાતની શરૂઆત માર્ચ મહિનાથી થાય તેવી શક્યતા એલએસઈજીની ઈન્ટરેસ્ટ રેટ પ્રોબેબિલિટી એપ્લિકેશન આઈપીઆર પર વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ફલિત થયું હતું કે વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાતની શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…