કૉમૉડિટી ઈન્ડેક્સનાં રિબેલેન્સિંગનો આરંભ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે કૉમૉડિટી ઈન્ડેક્સના રિબેલેન્સિંગનો આરંભ થવાની સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.6 ટકા ઘટીને અને ચાંદીના ભાવ 3.2 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 899થી 902નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વિશ્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 12,174નું ગાબડું પડ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 12,174ના ઘટાડા સાથે રૂ. 2,35,826ના મથાળે રહ્યા હતા.
આપણ વાચો: સોના-ચાંદીની વનવે તેજીએ રિટેલ માગ રૂંધાતા સોનાના ભાવ પરના ડિસ્કાઉન્ટ એક મહિનાની ટોચે
તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 899 ઘટીને રૂ. 1,35,229 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 902ના ઘટાડા સાથે રૂ. 1,35,773ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 4428.06 ડૉલર અને 4436.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 3.2 ટકા તૂટીને આૈંસદીઠ 75.64 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલમાં કૉમૉડિટી ઈન્ડેક્સનું રિબેલેન્સિંગ થઈ રહ્યું હોવાથી આજે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહેશે. આ રિબેલેન્સિંગ આગામી પાંચ દિવસ ચાલશે એમ સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી હેડ ઓલે હૅન્સને જણાવતાં ઉમેર્યું હતું કે આ બેલેન્સિંગને પગલે કોમેક્સ ફ્યુચર હેઠળ પ્રત્યેક મેટલમાં છથી સાત અબજ ડૉલરના મૂલ્યનું વેચાણ જોવા મળી શકે છે.
હાલનાં વૈશ્વિક કૉમૉડિટીના વર્તમાન ભાવને ધ્યાનમાં લઈને આ સપ્તાહથી બ્લૂમબર્ગ કૉમૉડિટી ઈન્ડેક્સનું રિબેલેન્સિંગ શરૂ થયું છે. આ સપ્તાહના આરંભમાં અમેરિકા-વેનેઝુએલા વિવાદ સપાટી પર આવતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે રોકાણકારોનું ધ્યાન રિબેલેન્સિંગ તરફ વળી જતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને એક મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાથી તેઓનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હતો.
એચએસબીસીએ આજે એક અહેવાલમાં જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ અને અમેરિકાની વધતી રાજકોષીય ખાધને ધ્યાનમાં લેતા વર્ષ 2026ના પહેલા છ માસિકગાળામાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5000ની સપાટી સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદીમાં પુરવઠાખેંચ, રોકાણલક્ષી માગ અને સોનાના ઊંચા ભાવને ધ્યાનમાં લેતા ચાંદીના ભાવ આૈંસદીઠ 58થી 88 ડૉલરની રેન્જમાં રહી શકે છે. જોકે, આ વર્ષે બજારમાં કરેક્શનની પણ શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.



