
ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ચાંદી રૂ. 4850 વધી, સોનામાં રૂ. 16નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ તેજીની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા અને ચાંદીના ભાવ 2.3 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 4850 ઉછળી આવ્યા હતા, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 15થી 16નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોનું સટ્ટાકીય આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4850ના ઉછાળા સાથે રૂ. 2.5 લાખથી માત્ર રૂ. 2000 છેટે રૂ. 2,48,000ની સપાટીએ બંધ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવા છતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 16 વધીને રૂ. 1,36,128ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 15 વધીને રૂ. 1,36,675ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 4461.51 ડૉલર અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4471.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 79.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને નફારૂપી વેચવાલી ઉપરાંત રોકાણકારો અમેરિકા અને વેનેઝુએલાની વર્તમાન સ્થિતિની પુનઃ આકારણી કરી રહ્યા હોવાથી બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું નેમો મનીનાં ચીફ એનાલિસ્ટ જેમી દત્તાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખને પકડ્યા બાદ હવે વૉશિંગ્ટન વેનેઝુએલામાં અટકાવાયેલા પાંચ કરોડ બેરલ ક્રૂડતેલનું રિફાઈન કરવા બાબતે વેનેઝુએલાની સરકાર સાથે વાતચીત કરી રહ્યું હોવાના નિર્દેશો હોવાથી રોકાણકારો પરિસ્થિતિની આકારણી કરી રહ્યા છે.
વધુમાં ગઈકાલે ફેડરલ રિઝર્વના ગવર્નર સ્ટીફન મિરાને ગઈકાલે જણાવ્યું હતું કે અર્થતંત્રને ધબકતું રાખવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે ઘટાડો કરવાની આવશ્યકતા છે, જ્યારે રિચમન્ડ ફેડના પ્રમુખ થોમસ બાર્કિને જણાવ્યું હતું કે આગામી જાહેર થનારા આર્થિક ડેટાઓ વ્યાજદરમાં ફેરફારને પ્રોત્સાહિત કરે તેવાં હોઈ શકે છે. જોકે, હાલમાં વેપાર વર્તુળો વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત કાપ મૂકે તેવી શક્યતા જોઈ રહ્યા છે. તેમ છતાં તેઓની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



