વિશ્વ બજારમાં ડૉલર અને સ્થાનિકમાં રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 548નો ચમકારો, ચાંદી રૂ. 60 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આગામી પહેલી ઑગસ્ટની અમેરિકાના ટૅરિફ વધારાના અમલ પૂર્વે વેપારી ભાગીદાર દેશો સાથેનાં કરારની સ્પષ્ટતાની રાહમાં રોકાણકારોએ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરોમાં પણ વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 545થી 548નો ચમકારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 60નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 60ના સાધારણ સુધારા સાથે રૂ. 1,12,760ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં આયાત પડતરો વધવાથી વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 545 વધીને રૂ. 98,395 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 548 વધીને રૂ. 98,791ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાની વેપારી ભાગીદાર દેશો સાથે ટ્રેડ ડીલની સ્પષ્ટતાના અભાવ વચ્ચે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવા છતાં નડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 3365.49 ડૉલર અને 3373.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.6 ટકા વધીને આૈંસદીઠ 3839 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકી ટૅરિફના અમલની મુદત નજીક આવી રહી હોવાથી રોકાણકારોની નજર ટ્રેડ ડીલ પર મંડાયેલી છે. હવે અમેરિકી પ્રમુખ ટ્રેડ ડીલની જાહેરાત કરશે કે ટૅરિફનો અમલ કરશે એ અંગે રોકાણકારો અવઢવમાં છે. આવી સ્થિતિમાં સોનાને નબળા ડૉલરનો ટેકો મળી રહ્યો હોવાનું યુબીએસ કૉમૉડિટીનાં વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.2 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હતો.
ગઈકાલે અમેરિકી વાણિજ્ય સચિવ હાવર્ડ લ્યુટનિકે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ પહેલી ટૅરિફ માટેની પહેલી ઑગસ્ટની મુદત મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છે કે આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતી હોય છે.એકંદરે ફુગાવામાં વધારો અને મજબૂત આર્થિક ડેટાઓ ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતની શક્યતાઓ દબાણ હેઠળ લાવી રહી છે. તેમ જ વર્ષ દરમિયાન ઓછી વખત વ્યાજદરમાં કપાત જોવા મળે તેમ હોવાથી રોકાણકારો સોનામા ઘટ્યા મથાળેથી ખરીદી કરી રહ્યા હોવાનું એએનઝેડનાં વિશ્લેષકો જણાવે છે. જોકે, ગત સપ્તાહે ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે આગામી 29-30 જુલાઈની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.