વેપાર

ચાંદીમાં વધુ રૂ. 1692ની આગેકૂચ, સોનામાં રૂ. 534નો સુધારો

સીએમઈ ગ્રૂપમાં આઉટેજને કારણે કરન્સી-કૉમૉડિટીના વેપાર પર અસર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવાના આશાવાદ વચ્ચે આજે સપ્તાહના અંતે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો આગળ ધપતા ચાંદીના ભાવમાં વધુ કિલોદીઠ રૂ. 1692ની તેજી આવી હતી, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 532થી 534 વધી આવ્યા હતા.

આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ખાસ કરીને વિશ્વ બજારમાં ભાવ 0.8 ટકા જેટલાં ઉછળી આવ્યા હોવાથી સ્થાનિકમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું અને વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1692 વધીને રૂ. 1,64,359ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ જોવા મળી હતા, જ્યારે જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 532 વધીને રૂ. 1,26,084 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 534 વધીને રૂ. 1,26,591ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: વૈશ્વિક સોનું બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછું ફરતા સ્થાનિકમાં રૂ. 24નો ઘસરકો, ચાંદી રૂ. 3642 ઉછળી

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને ગત 14મી નવેમ્બર પછીની ઊંચી આૈંસદીઠ 4174.15ની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આ સપ્તાહમાં અત્યાર સુધીમાં 2.7 ટકાનો અને આ મહિનામાં અત્યાર સુધીમાં 3.9 ટકાનો વધારો નોંધાયો હતો. વધુમાં આજે સીએમઈ ગ્રૂપમાં આઉટેજને કારણે કરન્સી પ્લેટફોર્મ પર અને વાયદામાં ફોરેન એક્સચેન્જ, કૉમૉડિટીઝ, ટ્રેઝરી અને સ્ટોકમાં કામકાજો પર અસર થવાથી વેપાર ઠપ થઈ ગયા હતા. જોકે, આઉટેજ પૂર્વે યુ એસ ગોલ્ડ ફ્યુચર પર ભાવ આૈંસદીઠ 4221.30 ડૉલરના મથાળે રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન આજે યુબીએએસએ વર્ષ 2026માં ચાંદીના ભાવનો અંદાજ આૈંસદીઠ 6થી 8 ડૉલર વધારીને 60 ડૉલર આસપાસ રહેવાનો મૂક્યો હતો.

હાલમાં વૈશ્વિક બજારમાં ખાસ કર કરીને વૈશ્વિક સ્તરે દેવાની ચિંતા, ટૅરિફ અને વેપારો પરનાં પ્રતિબંધો જેવા પરિબળો સોનાની તેજીની તરફેણમાં હોવાથી આ મહિનામાં સોનાના ભાવમાં 3.9 ટકા જેટલો ઉછાળો નોંધાયો હોવાનું વિશ્લેષક રોઝ નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે આ મજબૂત પરિબળો ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની છે. આથી વ્યાજદરમાં કપાતના સંજોગોમાં રોકાણકારોની સામાન્યપણે વ્યાજની ઊપજ ન આપતી સોનાચાંદી જેવી કૉમૉડિટીમાં પ્રબળ માગનો ટેકો મળતો હોય છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાજેતરમાં જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતાં ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વૉલર અને ન્યૂયોર્ક ફેડના પ્રમુખે પણ ડિસેમ્બરમાં વ્યાજદરમાં કપાતના સંકેતો આપ્યા હોવાથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર હવે બજાર વર્તુળો વ્યાજદરમાં કપાતની 85 ટકા શક્યતા જોઈ રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button