વેપાર

અમેરિકાના શટડાઉનના અંત સાથે સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનનો અંત લાવવાનો ખરડો અમેરિકી સંસદે પસાર કર્યો હોવાના અહેવાલ સાથે અમેરિકાનાં આર્થિક ડેટાઓની જાહેરાતો શરૂ થશે અને તે ડેટાઓનાં આધારે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં તેજી આગળ ધપી હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1701થી 1708નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3117નો ચમકારો આવ્યો હતો. જોકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં મજબૂત વલણ રહ્યું હોવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1701 વધીને રૂ. 1,23,652 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1708 વધીને રૂ. 1,24,149ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3117 વધીને રૂ. 1,54,760ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકાનું સૌથી લાંબુ ‘શટડાઉન’ ટૂંક સમયમાં થશે ખતમ, ડોનાલ્ડ ટ્રમ્પે શું સંકેત આપ્યા?

આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકી શટડાઉનનો અંત આવ્યાના નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી આશાવાદ પ્રબળ બનતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4142.60 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને 4149.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.9 ટકાના ઉછાળા સાથે પુનઃ 50 ડૉલરની સપાટી પાર કરીને 50.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનનો અંત આવતા હવે પછી જાહેર થનારા સરકારી ડેટાઓને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવાનો નિર્ણય લે તેવા આશાવાદને કારણે સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઓલૅ હાસને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં 25 બેસિસ પૉઈન્ટનો રેટ કટ કરે તેવી 64 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ડૉલરમાં નરમાઈ અને અમેરિકી શટડાઉનની ચિંતા સપાટી પર રહેતાં વૈશ્વિક સોનામાં મક્કમ આંતરપ્રવાહ

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમેરિકી સરકાર પુનઃ શરૂ થતાં સરકારી ખર્ચમાં વધારો થશે અને દેવામાં પણ વધારો થવાથી રાજકોષીય ચિંતા સપાટી પર આવવાને કારણે પણ આગામી સમયગાળા દરમિયાન સોનામાં સુધારાને ટેકો મળતો રહે તેવી શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે કે ફેડ ગવર્નર સ્ટીફન મિરાને ગઈકાલે આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની ભલાણ કરી હતી. સામાન્યપણે નીચા વ્યાજદરનાં સંજોગોમાં સોના જેવી કિમતી ધાતુઓમાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button