સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં આભૂષણોની માગ હોમાઈ જવાની ભીતિ છતાં રોકાણલક્ષી માગનો આશાવાદ | મુંબઈ સમાચાર
વેપાર

સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં આભૂષણોની માગ હોમાઈ જવાની ભીતિ છતાં રોકાણલક્ષી માગનો આશાવાદ

રમેશ ગોહિલ

સાપ્તાહિક ધોરણે સોનામાં રૂ. 4571નો અને ચાંદીમાં રૂ. 18,890નો તોતિંગ ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં વીતેલા સપ્તાહ દરમિયાન સલામતી માટેની માગને ટેકે સોનાના ભાવ આૈંસદીઠ 4059.05 ડૉલરની અને ચાંદીના ભાવ આૈંસદીઠ 51.22 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 54 ટકાનો અને ચાંદીના ભાવમાં 73 ટકા જેટલો જબ્બર ઉછાળો આવી ગયો છે. જોકે, ગત સપ્તાહે ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર અર્થાત્‌‍ શાંતિ યોજનાના પહેલા તબક્કાનો અમલ થવાથી સોનાની તેજીને બે્રક લાગી હતી, પરંતુ ચાંદીમાં પુરવઠાખેંચ અને વાયદામાં લેણના ઓળિયાઓ વધુ હોવાથી એકતરફી તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 4571 અથવા તો 3.90 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 18,890ની અથવા તો 12.97 ટકા જેટલી આગઝરતી તેજી ફૂંકાઈ ગઈ હતી.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંતના અથવા તો ગત ત્રીજી ઑક્ટોબરના 10 ગ્રામદીઠ રૂ. 1,16,954ના બંધ સામે તેજીના અન્ડરટોને રૂ. 1,19,059ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,19,059ની સપાટી અને ઉપરમાં રૂ. 1,22,629ની સપાટીની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 4571 અથવા તો 3.90 ટકાની તેજી સાથે રૂ. 1,21,525ના મથાળે બંધ રહ્યા હતા, જ્યારે હાજરમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ત્રીજી ઑક્ટોબરના કિલોદીઠ રૂ. 1,45,610 સામે રૂ. 1,48,550ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,48,550ની સપાટી અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 1,64,500ના મથાળે બંધ રહ્યા હતા તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 18,890 અથવા તો 12.97 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. એકંદરે આગામી 18મી ઑક્ટોબરે ધનતેરસ અને 20મી ઑક્ટોબરે દિવાળી એમ સોનાચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી માટે પરંપરાગત ધોરણે સપરમા દહાડામાં માગ ખૂલવાનો બજારમાં આશાવાદ સેવાઈ રહ્યો હતો. જોકે, તહેવારોને ટાંકણે જ બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી ફૂંકાઈ ગઈ હોવાથી હવે આભૂષણો માટેની માગ નિરસ રહેવાની, પરંતુ સોનાચાંદીના સિક્કા તેમ જ લગડીમાં રોકાણલક્ષી માગ રહેવાનો આશાવાદ વેપારી વર્તુળો સેવી રહ્યા છે. જોકે, અમુક વર્ગનું માનવું છે કે તહેવારોના સમયગાળામાં વન ગ્રામ ગોલ્ડનાં આભૂષણોમાં શક્યતઃ છૂટીછવાઈ માગ જોવા મળે.

આ પણ વાંચો: સોના-ચાંદીએ તો તિજોરી છલકાવી, પણ આ ધાતુ જેટલું રિટર્ન કોઈએ ન આપ્યું

પ્રાપ્ત અહેવાલ અનુસાર આગામી તહેવારોની મોસમમાં અપેક્ષિત રોકાણલક્ષી માગને ધ્યાનમાં લેતા હાલ સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 15 ડૉલર આસપાસના પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પ્રીમિયમ છ ટકા આસપાસ રહ્યું હતું. એકંદરે ભાવમાં હજુ તેજી આગળ ધપે તેવા આશાવાદને ધ્યાનમાં લેતા હાલમાં પણ સોનામાં રોકાણલક્ષી માગ મજબૂત છે અને રોકાણકારો વધુ પ્રીમિયમ આપવા તૈયાર હોવાનું મુંબઈસ્થિત એક ડીલરે જણાવ્યું હતું. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરીમાં રિટેલ સ્તરની માગ શુષ્ક છે, પરંતુ ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં માગ ખૂલવાનો આશાવાદ નવી દિલ્હીસ્થિત એક ટ્રેડરે વ્યક્ત કર્યો હતો.

એકંદરે હાલને તબક્કે અમેરિકાની આર્થિક અનિશ્ચિતતા, અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનને કારણે ત્યાંના આર્થિક ડેટાઓની જાહેરાતના અભાવ વચ્ચે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર તથા ડિસેમ્બર મહિનાની પ્રત્યેક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી તેમ જ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં સતત વધી રહેલા આંતરપ્રવાહને કારણે બન્ને કિંમતી ધાતુઓમાં વન વે તેજીનું વલણ જોવા મળ્યું હતું. જેમાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં સતત આઠમા સપ્તાહમાં સુધારો આગળ ધપતાં વધુ બે ટકાની તેજી જોવા મળી હતી. જોકે, સપ્તાહ દરમિયાન ઈઝરાયલ-હમાસ વચ્ચેના સીઝફાયરના અહેવાલ પશ્ચાત્‌‍ સોનામાં સલામતી માટેની માગ ધીમી પડતાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી, પરંતુ ચાંદીમાં વણથંભી તેજી આગળ ધપતાં ભાવ વર્ષ 2011 પછીની સૌથી ઊંચી આૈંસદીઠ 51 ડૉલરની સપાટી કુદાવી ગયા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ કરારઃ વૈશ્વિક સોનામાં ટકેલું વલણ, ચાંદી વિક્રમ સપાટીએ

જોકે, ગત સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે પુનઃ ચીનથી થતી આયાત પર ઊંચા ટૅરિફ લાદવાની યોજના ધરાવતા હોવાનું જણાવતાં સોનામાં ફરી સલામતી માટેની માગનો સંચાર થવાની સાથે આર્થિક અનિશ્ચિતતા, કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી તેમ જ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોના આંતરપ્રવાહને ધ્યાનમાં લેતાં સોનામાં તેજીનાં પરિબળો સક્રિય થતાં ફરી તેજીનું વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે આગામી સપ્તાહ દરમિયાન કૉમૅક્સ ખાતે સોનામાં આૈંસદીઠ 4090 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને 3780 ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થવાની તેમ જ ચાંદીના ભાવ માટે આૈંસદીઠ 43.50 ડૉલર તથા 50.80 ડૉલરની સપાટી અનુક્રમે ટેકાની અને પ્રતિકારક સપાટી પુરવાર થવાની શક્યતા વ્યક્ત કરી હતી. જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સપ્તાહ દરમિયાન રેન્જ રૂ. 1,12,000થી 1,24,500ની અને ચાંદીના વાયદામાં રૂ. 1,30,000થી 1,58,000ની રેન્જ જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેના સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પોસ્ટ પર દક્ષિણ કોરિયાની બે સપ્તાહની મુલાકાતમાં ચીનનાં પ્રમુખ શિ જિનપિંગને મળવાનું કોઈ કારણ ન હોવાનું તેમ જ ચીનથી થતી આયાત સામે ટૅરિફમાં વધારો કરવાની તેઓ યોજના ધરાવે છે, એમ જણાવતાં બજારમાં પુનઃ ટૅરિફ વૉરની ભીતિ સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 0.4 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 3989.49 ડૉલર અને વાયદામાં ભાવ 0.7 ટકા વધીને 4000.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીનાં ભાવ 2.1 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 50.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે ભાવ વધીને આૈંસદીઠ 51.22 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. વાસ્તવમાં હાલના તબક્કે ચાંદીનાં હાજર ભાવ વાયદાના ભાવ કરતાં ઊંચા હોવાથી અમુક અંશે પુરવઠા સ્થિતિ તંગ છે તેમ જ વાયદામાં ભાવ નીચા હોવાથી લેણના ઓળિયાઓમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી સોનાની સરખામણીમાં ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી રહી હોવાનું એલિગન્સ ગોલ્ડના ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ ઈબાકરીમે જણાવ્યું હતું. એકંદરે વર્તમાન વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં બન્ને કિંમતી ધાતુઓમાં આગામી સમયગાળામાં મક્કમ અન્ડરટોન જળવાઈ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button