વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1438ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 357નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના રેટકટના આશાવાદ સાથે સોનામાં રોકાણકારોની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1433થી 1438નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 357નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં એકતરફી તેજીનું વલણ રહ્યું હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી, પરંતુ વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1433 વધીને રૂ. 1,09,037ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1438 વધીને રૂ. 1,09,475ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લે-વેચનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 357ના સુધારા સાથે રૂ. 1,24,770ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો…અમેરિકના વ્યાજકાપની આશા વચ્ચે વિશ્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજાર પોઝિટીવ ઝોનમાં ટકી રહ્યું
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રેટકટના આશાવાદ વચ્ચે રોકાણકારોની સોનામાં લેવાલી જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 3653.25 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 3692.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનું એક તબક્કે આૈંસદીઠ 3659.10 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું હતું. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 41.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં જો ફેડરલ રિઝર્વ એક કરતાં વધુ વ્યાજદરના સંકેત આપે તો સોનામાં વધુ ઝડપી તેજી જોવા મળે તેવી શક્યતા કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં બેરોજગારીનો દર ચાર વર્ષની ઊંચી 4.3 ટકાની સપાટીએ પહોંચ્યો હોવાથી આગામી સપ્તાહની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી પ્રબળ શક્યતા તેમ જ આજે ડૉલર ઈન્ડેક્સ ઘટીને સાત સપ્તાહની નીચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટી આસપાસ રહી હોવાથી સોનામાં તેજીને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…સેન્સેક્સ અને નિફ્ટી વોલેટીલિટીના તોફાન વચ્ચે અણનમ, ઓટો અને ઓઇલ શેરોમાં ચમકારો
આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 89.4 ટકા શક્યતા અને 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 10.6 ટકા શક્યતા વેપારી વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.
વધુમાં આવતીકાલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મૂકાઈ રહી છે. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા અને ગુરુવારે જાહેર થનારા ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. જો ફુગાવાના ડેટા અપેક્ષા કરતાં નીચા આવશે અને ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અખત્યાર કરે તો સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3700 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ ટીમ વૉટરરે ઉમેર્યું હતું.