ડૉલર ઈન્ડેક્સ બે મહિનાના તળિયે પટકાતાં વૈશ્વિક સોનું 3700 ડૉલરની લગોલગસ્થાનિક સોનામાં રૂ. 1358નો અને ચાંદીમાં રૂ. 1509નો ચમકારો | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર ઈન્ડેક્સ બે મહિનાના તળિયે પટકાતાં વૈશ્વિક સોનું 3700 ડૉલરની લગોલગસ્થાનિક સોનામાં રૂ. 1358નો અને ચાંદીમાં રૂ. 1509નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યો હોવાથી લંડન ખાતે સોના અને ચાંદીમાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. તેમ જ સોનાના ભાવ આૈંસદીઠ 3700 ડૉલરની સપાટીની લગોલગ પહોંચ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1353થી 1358ના ચમકારા સાથે રૂ. 1.10 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1509 ઉછળીને 1.29 લાખની સપાટી કુદાવી ગઈ હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1509 ઉછળીને રૂ. 1,29,300ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. આજે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ રૂ. 1353 વધીને રૂ. 1,10,425ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1358 વધીને રૂ. 1,10,869ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત રિટેલ સ્તરની તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : વિદેશી હૂંડિયામણની અનામતમાં ચાર અબજ ડૉલરનો વધારો

આજે ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટી સુધી ગબડી જતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 3692.87 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 3730.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલની આૈંસદીઠ 42.73 ડૉલર આસપાસની ઊંચી સપાટીએ ટકેલા રહ્યા હતા.

હાલ વિશ્વ બજારમાં સોનામાં એકતરફી તેજીનું વલણ જોવા મળી રહ્યું છે અને શેષ વર્ષ 2025માં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે અને વર્ષ 2026માં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલર સુધી પહોંચે તે પૂર્વે નોંધપાત્ર કરેક્શન જોવા મળે તેવી શક્યતા અત્રે નવી દિલ્હી ખાતે ચાલી રહેલી ઈન્ડિયા ગોલ્ડ કોન્ફરન્સ પશ્ચાત્‌‍ ઉદ્યોગનાં નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા હતા.

આ પણ વાંચો : ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઊંચકાયો

આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદને ધ્યાનમાં લેતા આજે ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટીએ પટકાતા સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો 25 બેસિસ પૉઈન્ટના રેટ કટની ધારણા મૂકી રહ્યા છે. જોકે, ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેની સોશ્યલ મીડિયાની પોસ્ટ પર ફેડરલ રિઝર્વને મોટી માત્રામાં રેટ કટ કરવાની હાકલ કરી હતી. જો ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ બેઠકનાં અંતે હળવી નાણાનીતિના સંકેત આપશે તો સોનામાં તેજી આગળ ધપે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

એકંદરે ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવીને આગામી વર્ષ દરમિયાન પણ રેટ કટ જાળવી રાખે તેવો આશાવાદ સોનાને ટેકો આપી રહ્યો હોવાનું બૅન્કિંગ ગ્રૂપ સ્વિસક્વૉટનાં વિશ્લેષક કાર્લો અલ્બર્ટો ડૅ કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે નીચા વ્યાજદરનાં સંજોગોમાં રોકાણકારોની સોનામાં લેવાલી રહેતી હોય છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button