સોના-ચાંદીમાં સામસામા રાહ, ચાંદીમાં રૂ. 490ની આગેકૂચ, સોનામાં રૂ. 378નો ઘટાડો

સોનામાં ઊંચા મથાળેથી દશેરાની અપેક્ષિત માગનો વસવસો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉન વઘુ લંબાય તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યાના અહેવાલ હતા, જ્યારે ચાંદીના ભાવમાં 1.1 ટકાની તેજી આગળ ધપી હતી. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિકમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 376થી 378નો ઘટાડો આવ્યો હતો અને શુદ્ધ સોનું 10 ગ્રામદીઠ રૂ. 1.17 લાખની ઊંચી સપાટીએથી પાછું ફર્યું હતું. જોકે, ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 490 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે દશેરાના સપરમાં દહાડે બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી રિટેલ સ્તરની માગનો વસવસો રહ્યો હોવાનું જ્વેલરોએ જણાવતાં ઉમેર્યું હતું કે માત્ર રોકાણલક્ષી અને વન ગ્રામ ગોલ્ડના આભૂષણોમાં છૂટીછવાઈ માગ રહી હતી. દરમિયાન આજે સ્થાનિકમાં હાજરમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 490 વધીને રૂ. 1,45,610ના મથાળે રહ્યા હતા, જ્યારે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 376 ઘટીને રૂ. 1,16,486 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 378 ઘટીને રૂ. 1,16,954ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન અને રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાચાંદી વિક્રમ સપાટીએ
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાધારણ 0.1 ટકા વધીને આૈંસદીઠ 3861.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂયોર્ક ખાતે હાજરમાં ભાવ વધીને આૈંદીઠ 3896.49 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. આજે ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 3884.30 ડૉલર આસપાસ અને ચાંદીના ભાવ 1.1 ટકા ઉછળીને આૈંસદીઠ 47.46 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન ત્રીજા સત્રમાં પ્રવેશવાની સાથે અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ સહિતના ડેટાઓની જાહેરાત વિલંબમાં મૂકવાની શક્યતા વધી છે. જોકે વૈકલ્પિક જોબ માર્કેટના ડેટાઓ નિરસ હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં આગામી મહિનાઓમાં અથવા તો વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ વ્યક્ત કરી હતી.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 97 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યકત કરી રહ્યા છે.