ઊંચા મથાળે ઘરાકી માગ ઠંડી પડતા સોનાચાંદીના ભાવમાં ઘટાડો | મુંબઈ સમાચાર
વેપાર

ઊંચા મથાળે ઘરાકી માગ ઠંડી પડતા સોનાચાંદીના ભાવમાં ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
વૈશ્ર્વિક બજારો, સ્થાનિક વાયદા બજાર અને દેશાવરોમાં સોનાચાંદીના ભાવમાં વધારો આગળ વધી રહ્યો હોવા સામે મુંબઇના ઝવેરી બજારમાં ઊંચા મથાળે માગ ઠંડી પડી રહી હોવાના અહેવાલો વચ્ચે બંને કિંમતી ધાતુના ભાવમાં મંગળવારે પીછેહઠ જોવા મળી હતી. નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં સોમવારે સ્થાનિક ધોરણે સપ્તાહના પહેલા દિવસે સોનામાં દસ ગ્રામે રૂ. ૨૧૯૨નો અને ચાંદીમાં એક કિલોગીઠ રૂ. ૬૨૮૧નો તોતિંગ ઉછાળો નોંધાયો હતો.

જોકે, મંગળવારના સત્રમાં સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૧,૧૫,૪૫૪ના પાછલા બંધ સામે દસ ગ્રામે રૂ. ૧૦૫ના ઘટાડા સાથે રૂ. ૧,૧૫,૩૪૯ની સપાટીએ અને ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૧,૧૪,૯૯૨ના પાછલા બંધ સામે રૂ. ૧૦૫ પ્રતિ દસ ગ્રામના ઘટાડા સાથે સામે રૂ. ૧,૧૪,૮૮૭ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, .૯૯૯ ટચની શુદ્ધ હાજર ચાંદીના ભાવ રૂ. ૧,૪૪,૩૮૭ના પાછલા બંધ સામે એક કિલોદીઠ રૂ. ૧૯૫૩ના નોંધપાત્ર ઘટાડા સાથે રૂ. ૧,૪૨,૪૩૪ બોલાયા હતા.
જ્યારે બીજી તરફ, નવી દિલ્હી ખાતે ડોલર નબળો પડવા સાથે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ ૫૦૦ રૂપિયા વધીને ૧.૨૦ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામને સ્પર્શ્યો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે પીળી ધાતુ ૧,૫૦૦ રૂપિયા વધીને ૧,૧૯,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થઈ હતી.

આ પણ વાંચો: આગઝરતી તેજી: સોનામાં રૂ. ૨૧૯૨નો અને ચાંદીમાં રૂ. ૬૨૮૧નો તોતિંગ ઉછાળો…

એકંદરે વિવિધ પરિબળો જોતાં બુલિયન માર્કેટનો અંડરટોન મક્કમ જણાઇ રહ્યો છે. સેફ હેવન બાઇંગ ડિમાન્ડને પગલે ઓનલાઇન વાયદા બજારમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૧૭,૩૫૧ થયો હતો અને યુએસ શટડાઉનની આશંકા વચ્ચે ચાંદી મજબૂત થઈ હતી. ઓનલાઇન એક્સચેન્જ પર સ્થાનિક સોનાના ભાવ મંગળવારે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૧૭,૩૫૧ બોલાયો હતો. ચાંદી પ્રતિ કિલો રૂ. ૧,૪૩,૯૦૦ની આસપાસ સ્થિર રહી. વૈશ્ર્વિક સ્તરે, યુએસ સરકારના શટડાઉન, અપેક્ષિત દર ઘટાડા અને વધતા જતા ભૂરાજકીય તણાવની ચિંતાઓ વચ્ચે રોકાણકારો સેફ હેવન એસેટ તરફ વળ્યા હોવાથી, કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થતાં, સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૩,૮૫૦ ડોલરને વટાવી ગયો.

ગોલ્ડમેન સાશના તાજા અહેવાલમાં બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૫,૦૦૦ ડોલર રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દ્રષ્ટિએ વર્તમાન વિનિમય દરે આ ભાવ પ્રતિ ૧૦ ગ્રામ આશરે રૂ. ૧,૫૫,૦૦૦ થશે. સોનામાં તેજી આવવાના કારણોમાં ભૂરાજકીય ટેન્શન ઉપરાંત વૈશ્ર્વિક સેન્ટ્રલ બેંકોની ખરીદી, ટ્રમ્પના તઘલખી ફતવાઓને કારણે સર્જાતી નીતિ અનિશ્ર્ચિતતા, ક્રિપ્ટોથી સોના તરફ ડાયવર્ઝન અને ડોલરની નબળાઇનો સમાવેશ થાય છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button