ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફના મુદ્દે ટ્રમ્પનાં યુ ટર્નથી ડૉલર મજબૂત થતાં સોનાચાંદીની તેજીને પંક્ચર | મુંબઈ સમાચાર
Top Newsવેપાર

ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફના મુદ્દે ટ્રમ્પનાં યુ ટર્નથી ડૉલર મજબૂત થતાં સોનાચાંદીની તેજીને પંક્ચર

રમેશ કે ગોહિલ

ભાવઘટાડા સાથે ધનતેરસના સપરમા દહાડે રોકાણલક્ષી માગમાં ચમકારો, ચાંદીમાં માગ 40 ટકા વધી

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અગાઉ ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફ લાદવાની ચીમકી આપવાની સાથે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર વકરે તેવી ભીતિ સપાટી પર આવતા ગત સમગ્ર સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ વ્યાપક રહેતાં ભાવમાં વન વૅ તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમાં પણ ગત શુક્રવારે ખાસ કરીને સોનામાં એક તબક્કે વૈશ્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે લેહમેન બ્રધર્સની કટોકટીના સપ્ટેમ્બર, 2008 પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાઈ ગયો હતો અને ભાવ વધીને આૈંસદીઠ 4378.69 ડૉલર આસપાસ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીનાં ભાવ પણ વધીને આૈંસદીઠ 54.47 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાત સામે 100 ટકા ટૅરિફ લાદવાના મુદ્દે યુ ટર્ન લેતાં વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાની સાથે ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું અને સોના-ચાંદીની તેજીમાં પંક્ચર પડ્યું હતું. ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં 2.6 ટકાનું ગાબડું પડ્યું હતું અને ચાંદીના ભાવમાં 5.6 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.

નોંધનીય બાબત એ છે કે ગત શનિવારે ધનતેરસનાં સપરમા દહાડે સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન બંધ હોવાથી સત્તાવાર ધોરણે ભાવની જાહેરાત નહોતી થઈ, પરંતુ વિશ્વ બજાર પાછળ ભાવમાં કરેક્શન જોવા મળ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર મુંબઈ ખાતે 24 કેરેટ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા રૂ. 1,30,000ના બંધ સામે ઘટીને રૂ. 1,28,000 અને ચાંદીના ભાવ આગલા કિલોદીઠ રૂ. 1,77,000ના બંધ સામે ઘટીને રૂ. 1,70,000 આસપાસના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે નવી દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા રૂ. 1,34,800ના બંધ સામે ઘટીને રૂ. 1,32,000 અને ચાંદીના કિલોદીઠ ભાવ આગલા રૂ. 1,77,000ના બંધ સામે ઘટીને રૂ. 1,70,000ના મથાળે રહ્યા હતા. આમ એકંદરે ધનતેરસના દિવસે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ સરેરાશ રૂ. 2000નો ઘટાડો થવાથી રોકાણલક્ષી તેમ જ આગામી લગ્નસરાની મોસમને અનુલક્ષીને એક ગ્રામથી માંડીને 50 ગ્રામ સુધીનાં કોઈનમાં અને હલકા વજનની જ્વેલરીમાં માગ ખૂલી હતી. ઑલ ઈન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડેએ જણાવ્યું હતું કે એકંદરે આ વર્ષે ઊંચી ભાવસપાટીને કારણે ધનતેરસના દિવસે પ્રમાણની દષ્ટિએ માગમાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ ભાવવધારાને ધ્યાનમાં લેતા મૂલ્યની તુલનામાં વેચાણ વધીને રૂ. 50,000 કરોડની ઉપર પહોંચે તેવી અમારી ધારણા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વર્ષે ચાંદીમાં ઊંચા ભાવ હોવા છતાં વ્યૂહાત્મક ધોરણે અને પૂજા માટેની ચાંદીની ચીજો અને ચાંદીના સિક્કાઓમાં માગમાં વર્ષાનુવર્ષ ધોરણે 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: સોનાચાંદીમાં ધનતેરસે ઇન્વેસ્ટર્સ પર ધનવર્ષા: ૭૨ ટકા સુધીનું તોતિંગ વળતર

વધુમાં કાઉન્સિલના ઉપાધ્યક્ષ અવિનાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સરેરાશ સોદાકીય ખર્ચમાં 20થી 25 ટકાનો વધારો થયો છે અને કામકાજના વૉલ્યૂમમાં ઘટાડો થયો હોવા છતાં મુખ્યત્વે ટાયર-1 અને ટાયર-2 શહેરોમાં જ્યાં ખરીદદારો ખાસ કરીને પોતાના બજેટ અનુસાર રોકાણ અને પ્રસંગો માટે ખરીદી કરતાં હોય છે ત્યાં ચાંદીના સિક્કાના વેચાણમાં 35થી 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે ગ્રાહકોની પરિપકવતા દર્શાવે છે. તે જ પ્રમાણે સેન્કો ગોલ્ડ ઍન્ડ ડાયમંડ્સનાં મૅનૅજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સુવંકર સેને જણાવ્યું હતું કે સોનાના ઊંચા ભાવને કારણે આ વર્ષે હલકા વજનના આભૂષણોમાં માગ વધુ રહી હતી, પરંતુ સોનાની લગડી અને સિક્કાઓમાં માગ ગત સાલની સરખામણીમાં અંદાજે 15 ટકા વધુ રહી હતી. એકંદરે આ વર્ષમાં સોનાના ભાવમાં ગત સાલની સરખામણીમાં 40 ટકા જેટલો વધારો થયો હોવાથી સોનામાં પ્રમાણની દૃષ્ટિએ વેચાણમાં 12 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ મૂલ્યની દૃષ્ટિએ વેચાણમાં 20થી 25 ટકા વૃદ્ધિ થઈ છે. તેમ જ ચાંદીમાં વેચાણ ગત સાલની સમકક્ષ થયું છે, પરંતુ ભાવવધારાને કારણે મૂલ્યની દૃષ્ટિએ વેપાર બમણો થવાની શક્યતા નકારી ન શકાય.

વધુમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સચીન જૈને જણાવ્યું હતું કે આ વર્ષે સોનામાં જ્વેલરી, સિક્કા, લગડી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને ડિજિટલ ગોલ્ડ સહિત તમામ ક્ષેત્રે મજબૂત માગ જોવા મળી છે. ઊંચા ભાવ રહેતાં ગ્રાહકો શુકન પૂરતી પણ નોંધપાત્ર ખરીદી કરી છે તે જોતા તહેવારોથી માંડીને લગ્નસરાની મોસમ સુધી માગ જળવાઈ રહે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે, સોનાની સાથે સાથે ચાંદીમાં પણ માગ મજબૂત રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: ટ્રમ્પની ચીન પરની ટૅરિફની ધમકીઃ વૈશ્વિક સોનાચાંદી નવી ટોચે

ગત સપ્તાહે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોના અને ચાંદીમાં તેજીનું વલણ રહેતાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 8059નો અથવા તો 6.63 ટકાનો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4730 અથવા તો 2.87 ટકાનો ઉછાળો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 10મી ઑક્ટોબરના 10 ગ્રામદીઠ રૂ. 1,21,525ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,23,769ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,23,769 અને ઉપરમાં રૂ. 1,30,874ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 6.63 ટકા અથવા તો રૂ. 8059નો ઉછાળો નોંધાયો હતો. તે જ પ્રમાણે ચાંદીના ભાવ આગલા સપ્તાહના અંતના કિલોદીઠ રૂ. 1,64,500ના બંધ સામે ઝડપી ઉછાળા સાથે રૂ. 1,73,125ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. 1,78,100 અને નીચામાં રૂ. 1,68,083ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 4730 અથવા તો 2.87 ટકાની તેજી સાથે રૂ. 1,69,230ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં એકતરફી તેજીને પગલે ગત શુક્રવાર સુધી સ્થાનિકમાં ડીલરો આગામી ધનતેરસ અને દિવાળીના તહોવારોની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 25 ડૉલરના 10 વર્ષનાં ઊંચા પ્રીમિયમથી ક્વૉટ કરી રહ્યા હતા. હવે આવતીકાલે (સોમવારે) વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોના અને ચાંદીના ભાવમાં સત્તાવાર ધોરણે કેટલો ઘટાડો જોવા મળે છે તેના પર બજાર વર્તુળોની નજર છે.

ગત સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફ અંગેના અગાઉના નિવેદનને ફેરવી તોળતા જણાવ્યું હતું કે ચીન પર 100 ટકા વધારાની ટૅરિફ લાંબો સમય ચાલી શકે તેમ નથી અને તેઓ ટૂંક સમયમાં ચીનના પ્રમુખ શિ જિનપિંગને પણ મળશે એવું જણાવ્યું હોવાથી વેપાર તણાવ હળવો થવાની શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થયો હતો તેમ જ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 2.6 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 4211.48 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી શરતે ભાવ આગલા બંધ સામે 2.1 ટકા તૂટીને 4213.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 5.6 ટકાના ગાબડાં સાથે આૈંસદીઠ 51.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન અને રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાચાંદી વિક્રમ સપાટીએ

એકંદરે સોનામાં સલામતી માટેની માગ ઘટતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હોવા છતાં અનિશ્ચિતતાનો માહોલ, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડો તથા કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેતાં આગામી વર્ષ 2026માં સોનાના વૈશ્વિક સરેરાશ ભાવ આૈંસદીઠ 4488 ડૉલર આસપાસ રહે તેવી શક્યતા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કનાં કૉમૉડિટી રિસર્ચ વિભાગના ગ્લોબલ હેડ સુકી કૂપરે જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button