વેપાર

સલામતી માટેની માગ ઓસરતા સોનામાં રૂ. 568નો અને ચાંદીમાં રૂ. 871નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાની સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરી જવાથી હાજર ભાવમાં 0.5 ટકાનો અને ચાંદીના ભાવમાં 0.4 ટકાનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 565થી 568નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ ફરી રૂ. 94,000ની સપાટી ગુમાવી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 871 ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં પણ ઘટાડો થવાથી ભાવ વધુ દબાણ હેઠળ રહ્યા હતા.

આપણ વાંચો: અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર શાંત પડતાં સોનામાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ

જોકે, ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 565 ઘટીને રૂ. 93,401 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 568 ઘટીને રૂ. 93,776ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 871 ઘટીને રૂ. 95,949ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગ ઓસરવાની સાથે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર હોવાથી પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3231.10 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 3235.30 ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 32.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 2023નો કડાકો, રૂ. 95,000ની સપાટી ગુમાવી

અમેરિકાની ટૅરિફ નીતિમાં જોવા મળેલા સકારાત્મક બદલાવને કારણે આગામી ટૂંકા સમયગાળા માટે સોનામાં સલામતી માટેની માગ ઓછી રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાની વેપાર ભાગીદાર દેશો સાથેના વેપાર કરાર અંગે થઈ રહેલી પ્રગતિને ધ્યાનમાં લેતાં સોનામાં પીછેહઠ જોવા મળી શકે છે. તેમ છતાં અમારા મતે હાલ વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 3200 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વ્હાઈટ હાઉસનાં એક્ઝિક્યુટીવ ઓર્ડર અને ઉદ્યોગના નિષ્ણાતોના મતાનુસાર અમેરિકાએ ચીનથી આયાત થતાં ઓછા મૂલ્યના ઉત્પાદનો પરની ટૅરિફ ઘટાડીને 30 ટકા કરી હોવાથી બે મોટા અર્થતંત્રો વચ્ચે ટૅરિફ અંગેનો તણાવ ઓછો થવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.

દરમિયાન ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા એેપ્રિલ મહિના ફુગાવામાં 0.2 ટકાની વૃદ્ધિ થઈ હતી. જોકે, બજાર વર્તુળો માર્ચ મહિનામાં જોવા મળેલા 0.1 ટકાના ઘટાડા સામે 0.3 ટકાની વૃદ્ધિ થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. જોકે, હવે બજાર વર્તુળોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે.

સામાન્યપણે સોનામાં વધતા રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતા, ફુગાવા અને નીચા વ્યાજદરના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ હાલમાં આવા કોઈપણ નક્ક્ર પરિબળોના અભાવે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 3200 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધુ ઘટીને 3000થી 3145 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા એએનઝેડે એક નોટ્સમાં વ્યક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button