વૈશ્વિક સોનામાં તેજીએ વિરામ લેતા સ્થાનિકમાં રૂ. 730નો ઘસરકો, ચાંદી રૂ. 1178 નરમ | મુંબઈ સમાચાર
વેપાર

વૈશ્વિક સોનામાં તેજીએ વિરામ લેતા સ્થાનિકમાં રૂ. 730નો ઘસરકો, ચાંદી રૂ. 1178 નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વધુ વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીમાં એકતરફી તેજીનું વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ 0.3 ટકા જેટલો ભાવઘટાડો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 727થી 730નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1178નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક બજારો પાછળ હાજરમાં સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહેતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 727 ઘટીને રૂ. 1,13,129 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 730 ઘટીને રૂ. 1,13,584ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગમાં સુનકાર વ્યાપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહી હતી. તેમ છતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1178 ઘટીને રૂ. 1,34,089ના મથાળે રહ્યા હતા.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં 0.5 ટકા જેટલો સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3762.73 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ 0.5 ટકા ઘટીને 3795.80 ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 44.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

આ પણ વાંચો: ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનાચાંદીમાં નફારૂપી વેચવાલી

તાજેતરમાં અમેરિકાની વધી રહેલી ફંડિગ કોસ્ટ, ઈક્વિટી માર્કેટમાં ઓવર વૅલ્યુએશન્સ, ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા સામેનાં પ્રશ્નાર્થ અને ભૂરાજકીય તણાવ વધવાને કારણે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું સાક્સો બૅન્કના કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હેન્સને જણાવ્યું હતું.

દરમિયાન ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ પૉવૅલૅ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વે ફુગાવા વધવાની ચિંતાની સાથે શ્રમ બજાર સાથે સમતુલન જાળવવું પડશે. વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુક્રેનને રશિયાએ અંકે કરેલા પ્રદેશો પાછા મળે એવું જણાવ્યું હોવાથી ગઈકાલે નાટોએ રશિયાને લશ્કરી અને બિનલશ્કરી તમામ ઉપાયો અજમાવવામાં આવશે એવી ચેતવણી ઉચ્ચારી હોવાથી ભૂરાજકીય તણાવ વધવાની ભીતિ પણ સપાટી પર આવી હોવાનું હેન્સને જણાવ્યું હતું.

જોકે, અન્ય એક વિશ્લેષકના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનું 3750 ડૉલર આસપાસના મથાળે કોન્સોલિડેટ થશે અને ભવિષ્યમાં 3900 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button