વેપાર

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: જાણો ભારે કડાકા પાછળના 4 મુખ્ય કારણો

નવી દિલ્હી: ભારતીય કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ગુરુવારની રાત આંચકાજનક સાબિત થઈ છે. વૈશ્વિક સંકેતોને પગલે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી નવી આર્થિક સ્થિતિને કારણે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી સીધા જમીન પર પટકાતા જ્વેલરી માર્કેટ અને રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શુક્રવારે પણ બજારમાં આ ઘટાડો યથાવત્ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર કારોબાર બંધ થયો ત્યારે સોના અને ચાંદી બંનેમાં લોઅર સર્કિટ જેવી સ્થિતિ જોવા મળી હતી. એપ્રિલ વાયદાનું સોનું અંદાજે 6455 રૂપિયા (04.07%) ઘટીને 152300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. જ્યારે ચાંદીમાં તો વધુ ભયાનક ઘટાડો નોંધાયો છે. માર્ચ વાયદાની ચાંદી 25882 રૂપિયા (9.84%) તૂટીને 237136 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ હતી. એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો લાંબા સમય પછી જોવા મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું સ્થિતિ રહી?

12 ફેબ્રુઆરી 2026ના રોજ વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં મોટું ધોવાણ થયું હતું. અમેરિકાના કોમેક્સ (COMEX) માર્કેટમાં સોનું અંદાજે 2.3 થી 2.8 ટકા ઘટીને 4940-4980 ડોલર પ્રતિ ઔંસની આસપાસ આવી ગયું હતું. બીજી તરફ ચાંદીમાં 8.8 ટકાનો મસમોટો ઘટાડો નોંધાતા તે 75-76 ડોલર પર ટ્રેડ કરી રહી હતી. વિદેશી બજારોમાં આવેલી આ સુનામીની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે.

ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડા જાહેર થતા સોનામાં ઘટાડો શરૂ થયો છે. સોનાની કિંમતોના ઘટાડા અને સારા રોજગારી આંકડાથી વ્યાજ દરોમાં કાપ મુકાવાની આશા પણ બજારમાં જાગી છે. આ સમાચાર આવતા જ રોકાણકારોએ સોના-ચાંદીમાં નફો બુક કરવાનું શરૂ કર્યું અને મોટા પાયે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આર્થિક અસ્થિરતા વચ્ચે જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સામાન્ય રીતે સોનાના ભાવમાં દબાણ જોવા મળતું હોય છે, જે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button