Top Newsવેપાર

ચાંદીમાં ઈન્ડેક્સિંગને પગલે ઘટાડા બાદ પુનઃ માલખેંચને ટેકે બાઉન્સબૅક

રમેશ ગોહિલ

ટ્રમ્પ ટૅરિફ અંગે સુપ્રીમનાં સંભવિત 14 જાન્યુઆરીના ચુકાદા પર રોકાણકારોની નજર

વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક બુલિયન માર્કેટમાં ભારે અફરાતફરી અથવા તો ભારે ચંચળતાનું વલણ જોવા મળ્યું હોવા છતાં અમેરિકા-વેનેઝુએલા વચ્ચેનાં પ્રવર્તમાન ભૂરાજકીય તણાવને ટેકે વૈશ્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 3.9 ટકાનો અને ચાંદીના ભાવમાં 9.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને ગત બુધવારે વૈશ્વિક કૉમૉડિટી ઈન્ડેક્સનું રિબેલેન્સિંગ થવાથી સોના અને ચાંદીના ભાવ દબાણ આવ્યા હતા. આ રિબેલેન્સિંગ આગામી પાંચ દિવસ ચાલશે એમ સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી હેડ ઓલે હૅન્સને જણાવતાં ઉમેર્યું હતું કે આ બેલેન્સિંગને પગલે કોમેક્સ ફ્યુચર હેઠળ પ્રત્યેક મેટલમાં છથી સાત અબજ ડૉલરના મૂલ્યનું વેચાણ જોવા મળી શકે છે.

હાલનાં વૈશ્વિક કૉમૉડિટીના વર્તમાન ભાવને ધ્યાનમાં લઈને ગત સપ્તાહના અંતથી બ્લૂમબર્ગ કૉમૉડિટી ઈન્ડેક્સનું રિબેલેન્સિંગ શરૂ થયું છે. નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે વિશ્વ બજારમાં રિબેલેન્સિંગને કારણે ચાંદીના ભાવમાં 3.5 ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો અને સ્થાનિક ચાંદીમાં કિલોદીઠ રૂ. 12,000થી વધુ માત્રામાં કડાકો બોલાયો હતો. જોકે, એકંદરે ચાંદીમાં પ્રવર્તી રહેલી માલખેંચ, ઔદ્યોગિક માગમાં વૃદ્ધિ અને અમેરિકાએ ચાંદીને મુખ્ય ખનીજમાં વર્ગીકૃત કરી હોવાથી ઘટ્યા મથાળેથી ઝડપી બાઉન્સબૅક જોવા મળ્યું હતું. વધુમાં રોકાણકારોની નજર ગત શુક્રવારે ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ટૅરિફ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર હતી, પરંતુ હવે ચુકાદો આગામી 14મી જાન્યુઆરીએ આવે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત બીજી જાન્યુઆરીના 10 ગ્રામદીઠ રૂ. 1,34,782ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,35,721ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,35,443 અને ઉપરમાં રૂ. 1,37,195ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 1.72 ટકા અથવા તો રૂ. 2340 વધીને રૂ. 1,37,122ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંતના કિલોદીઠ રૂ. 2,34,550ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,36,775ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,35,775 અને ઉપરમાં રૂ. 2,48,000ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે 3.52 ટકા અથવા તો રૂ. 8258ની તેજી સાથે રૂ. 2,42,808ના મથાળે રહ્યા હતા.

સ્થાનિકમાં સોના અને ચાંદીના ભાવ ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી ખાસ કરીને રિટેલ સ્તરની જ્વેલરી માટેની માગ પર અત્યંત માઠી અસર પડી છે અને ખરીદદારો ખરીદી મોકૂફ રાખી રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવ્યું હતું, જ્યારે અન્ય એક ડીલરે જણાવ્યું હતું કે હાલમાં જ્વેલરોની દુકાનો અથવા તો શૉ રૂમમાં રિટેલ ઘરાકીની ચહેલપહેલ નથી, પરંતુ ગોલ્ડ કોઈન અને બાર અથવા તો લગડીમાં છૂટીછવાઈ માગ રહે છે. એકંદરે માગ નિરસ રહેવાને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ છ ડૉલર પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે પ્રીમિયમ 15 ડૉલરની સપાટીએ હતું.

ગત શુક્રવારે અમેરિકાના ડિસેમ્બર મહિનાના રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. જોકે, સપ્તાહના અંતે જાહેર થયેલા રોજગારીના ડેટામાં બજાર વર્તુળો ડિસેમ્બરમાં 60,000 રોજગાર વૃદ્ધિની ધારણા મૂકી રહ્યા હતા તેની સામે 50,000નો વધારો થયો હતો. તે જ પ્રમાણે બજાર વર્તુળોના બેરોજગારીના દર વધીને 4.5 ટકા રહેવાની ધારણા સામે ઘટીને 4.4 ટકાના સ્તરે રહ્યો હતો. આમ બજારની અપેક્ષા કરતાં વિપરીત આવતા અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવો આશાવાદ સાધારણ નબળો પડ્યો હતો. હાલમાં નીતિઘડવૈયાઓ વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ એક વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં બજાર વર્તુળો બે વખત કપાતનો આશાવાદ રાખી રહ્યા છે.

વધુમાં અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના ભૂરાજકીય તણાવ ઉપરાંત લશ્કરી કાર્યવાહી મારફતે અમેરિકા ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની નેમ રાખતું હોવાનું ટ્રમ્પે જણાવતાં અનિશ્ચિતતામાં વધારો થવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લષકે જણાવતાં ઉમેર્યું હતું કે આ સિવાય બન્ને કિંમતી ધાતુઓમાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો પણ ટેકો મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સતત 14મા મહિનામાં સોનામાં લેવાલી જળવાઈ રહી છે. આ સિવાય સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં વધી રહેલો આંતરપ્રવાહ પણ તેજીને ટેકો આપી રહ્યો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ગત ડિસેમ્બર મહિનામાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ આગલા નવેમ્બર મહિનાની સરખામણીમાં 231 ટકા વધીને 1.25 અબજ ડૉલરની સપાટીએ રહ્યો હતો. આમ હાલના પરિબળોને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ આૈંસદીઠ 4280થી 4580ની રેન્જમાં અને ચાંદીના આૈંસદીઠ 69થી 82 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી, જ્યારે સ્થાનિકમાં સોના અને ચાંદીના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ અનુક્રમે 10 ગ્રામદીઠ રૂ. 1,33,000થી 1,43,000ની અને રૂ. 2,36,000થી 2,60,000ની રહેવાની ધારણે તેમણે મૂકી હતી.

દરમિયાન ગત સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના ડિસેમ્બર મહિનાના પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હતા, પરંતુ પ્રવર્તમાન રાજકીય અને ભૌગોલિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સ્ચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 4496.09 ડૉલર અને વાયદામાં ભાવ 0.9 ટકા વધીને 4500.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.50 ટકા વધીને આૈંસદીઠ 79.56 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદર અમેરિકાના બેરોજગારીના ડેટા મિશ્ર આવ્યા હોવા છતાં રશિયા-યુક્રેન તથા અમેરિકા-વેનેઝુએલા વચ્ચેનાં ભૂરાજકીય તણાવ ઉપરાંત ગ્રીનલેન્ડ કબ્જે કરવાના વૉશિંગ્ટનના સંકેતો જેવા પરિબળોને ટેકે વર્ષ 2026માં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 5000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા મૂકાઈ રહી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button