
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે સોના અને ચાંદીમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ છતાં ખાસ કરીને સોનાના ભાવ વિક્રમ સપાટીથી આૈંસદીઠ માત્ર 12 ડૉલર છેટે રહ્યાના અને ચાંદીના ભાવ આૈંસદીઠ 33 ડૉલરથી માત્ર 27 સેન્ટ છેટે રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 737થી 740 વધીને રૂ. 86,000ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 977ની તેજી સાથે રૂ. 97,000ની સપાટીએ પહોંચ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 977 વધીને રૂ. 97,000ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં તેજી આગળ ધપી હતી, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 737 વધીને રૂ. 86,084ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 740 વધીને રૂ. 86,430ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી માત્ર રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ હાજરમાં સોનાના ભાવ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 2930.38 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ભાવ આૈંસદીઠ 2942.70 ડૉલરની વિક્રમ સપાટીથી માત્ર 12 ડૉલર જ છેટે રહ્યા છે. તે જ પ્રમાણે વાયદામાં ભાવ સાધારણ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 2947.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 32.73 ડૉલર આસપાસના મથાળે રહ્યાના અહેવાલ હતા.
એકંદરે આજે સોનામાં નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત રોકાણકારોની નજર યુક્રેનમાં શાંતિના મુદ્દે અમેરિકા તથા રશિયાની વાટાઘાટો પર હોવાથી સુધારો અટક્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં વિશ્લેષક અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે આ વાટાઘાટોમાં જો કોઈ નક્કર યોજના ફળીભત થશે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. જોકે, હાલના તબક્કે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 2970 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને 2890 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : સોનામાં રૂ. 471નો ચમકારો, ચાંદીમાં રૂ. 13નો સાધારણ સુધારો
વધુમાં હલના તબક્કે બજાર વર્તુળોની નજર આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની ગત જાન્યુઆરી મહિનાની નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર પણ સ્થિર થઈ છે. આ મિનિટ્સમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પની નીતિઓની અનિશ્ચિતતાઓ અને તેની અસર અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવે છે કે નહીં તેના પર બજાર વર્તુળોની મીટ છે.
ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ આર્થિક અને રાજકીય-ભૌગોલિક અનિશ્ચિતતાઓ નિર્માણ થઈ હોવાથી તેમ જ બૃહદ આર્થિક, રાજકીય-ભૌગોલિક અને વેપારલક્ષી અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારો સોના તરફ વળે તેવી શક્યતા એએનઝેડના વિશ્લેષકે વ્યક્ત કરી હતી.