વેપાર

ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૭૬નો અને ચાંદીમાં રૂ. ૭૩૩નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં આર્થિક ડેટાઓ સાધારણ નબળા આવ્યા હોવાથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૨.૪ ટકા જેટલા ઉછળી આવ્યા હતા. આમ વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૭૩૩નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૫થી ૧૭૬ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૩ના ઉછાળા સાથે રૂ. ૭૦,૯૩૬ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૫ વધીને રૂ. ૬૧,૪૩૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૬ વધીને રૂ. ૬૧,૬૮૪ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ પાંખી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

અમેરિકા ખાતે ગત સપ્તાહે બેરોજગારી ભથ્થુ મેળવવા માટેના અરજદારોની સંખ્યા ૮૦૦૦ ઘટીને ૨,૧૨,૦૦૦ની સપાટીએ રહી હોવાનું ગઈકાલે અમેરિકી શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું. જોકે, ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં રિટેલ વેચાણમાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાથી આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૪.૦૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૦૧૪.૯ ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ ૨.૪ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૨.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


હાલના તબક્કે સોનામાં તેજી-મંદી માટેનું મુખ્ય પ્રેરકબળ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેનો આશાવાદ છે અને જ્યાં સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેનો સ્પષ્ટ સંકેત નહીં આપે ત્યાં સુધી અથવા તો આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતા એવર બૅન્કના વર્લ્ડ માર્કેટના પ્રમુખ ક્રિસ ગેફિનીએ જણાવ્યું હતું. વધુમાં ગઈકાલે ફેડરલનાં સુપરવિઝન વિભાગના ઉપાધ્યક્ષ માઈકલ બારે જણાવ્યું હતું કે બે ટકા ફુગાવાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો માર્ગ શક્યત: સરળ નથી, જ્યારે શિકાગો ફેડનાં પ્રમુખ ઑસ્ટિન ગુલ્સબીએ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ સામે ચેતવણી ઉચ્ચારી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button