ચાંદી વધુ રૂ. ૯૪૭ તૂટી, સોનામાં રૂ. ૨૦૪નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સ પશ્ચાત્અ મેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૩થી ૨૦૪નો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૯૪૭ ગબડી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૪૭ના કડાકા સાથે રૂ. ૭૨,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૭૧,૭૪૪ના મથાળે રહ્યા હતા. વધુમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત રૂપિયો મજબૂત થતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૩ ઘટીને રૂ. ૬૨,૫૫૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૪ ઘટીને રૂ. ૬૩,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૬૨,૮૦૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલનાં ઘણાં સભ્યોએ લાંબાગાળા સુધી ઊંચા વ્યાજદરની અને વર્ષ ૨૦૨૪નાં અંતિમ સમયગાળામાં વ્યાજ કપાતની તરફેણ કરી હતી. આમ ફેડરલની નીતિવિષયક અનિશ્ચિતતા સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૪૩.૦૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.