વેપાર

નફારૂપી વેચવાલીએ સોનામાં રૂ. ૧૪૨નો અને ચાંદીમાં રૂ. ૨૮૫નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછા ફરીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર ઉતરી ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ નબળી પડતાં ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.


જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૧થી ૧૪૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૮૫નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી છૂટીછવાઈ લેવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. ૨૪૫ ઘટીને રૂ. ૭૩,૧૮૦ના મથાળે રહ્યા હતા.


તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે રોકાણકારો અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૧ ઘટીને રૂ. ૬૧,૨૨૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૪૨ ઘટીનેે રૂ. ૬૧,૪૭૪ના મથાળે રહ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે અમેરિકા ખાતે ગત સપ્તાહે બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાથી અમેરિકામાં વ્યાજદરમાં વધારાની ખાસ અસર ન પડી હોવાનું જણાતા શક્યત: ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવી હતી.


આથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ઉતરી ગયા હતા. જોકે, આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૯૫.૩૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯૯૬.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

તાજેતરમાં ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની સાઈકલનો અંત આવ્યો હોવાના નિર્દેશો સાથે સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે, પરંતુ ગઈકાલે જાહેર થયેલા બેરોજગારીના ડેટાને ધ્યાનમાં લેતાં પુન: વ્યાજદર વધારાની ભીતિ સપાટી પર આવી હોવાથી હવે ફુગાવામાં થોડો વધારો થવાની શક્યતા રોકાણકારો વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૭ ડૉલરની સપાટીએ પહોંચે તેવી શક્યતા એનાલિસ્ટો વ્યકત કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button