
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યા બાદ ફેડરલ રિઝર્વે હજુ વ્યાજદરમાં વધારો કરવાના અણસાર આપ્યા હોવાથી રોકાણકારોની માગનો ટેકો ન મળતાં સુધારો ધોવાઈ ગયો હતો અને ભાવ સાંકડી વધઘટે ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિ સ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૧૮નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૧૮ તૂટીને રૂ. ૭૨,૬૫૭ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૮૬૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૧૦૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૬ પૈસા ગબડ્યો હોવાથી ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના સંકેતોને ધ્યાનમાં લેતાં રોકાણકારોની લેવાલીનો ટેકો ન મળતા હાજર અને વાયદામાં ભાવ અનુક્રમે ઔંસદીઠ ૧૯૨૫.૧૨ ડૉલર અને ૧૯૪૫ ડૉલરની સપાટીએ ટકેલાં રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વના આક્રમક નાણાનીતિના અણસારોની સાથે ગત શુક્રવારે સોનાના વૈશ્ર્વિક અગ્રણી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ઘટીને જાન્યુઆરી, ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે.