વેપાર

સોનામાં રૂ. ૧૨૧નો અને ચાંદીમાં રૂ. ૨૯૫નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલો ફુગાવો બજારની અપેક્ષા કરતાં સાધારણ ઊંચી સપાટીએ જોવા મળ્યો હોવા છતાં મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે તેવા આશાવાદ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે સોના અને ચાંદીમાં મક્કમથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આ સપ્તાહે સોનામાં ગત માર્ચ પછીનો સાપ્તાહિક ધોરણે સૌથી વધુનો અને ચાંદીમાં ત્રણ સપ્તાહમાં પહેલી વખત સુધારો જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને અવગણીને સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ રહેતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૨થી ૧૨૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૯૫નો ઘટાડો આવ્યો હતો.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯૫ના ઘટાડા સાથે રૂ. ૬૯,૪૦૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની પાંખી લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ ઘટીને રૂ. ૫૭,૭૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૧૨ ઘટીને રૂ. ૫૮,૦૩૨ના મથાળે રહ્યા હતા.


દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં અમેરિકામાં ફુગાવામાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં ટ્રેઝરીની યિલ્ડ તથા ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં રોકાણકારોની સલામતી માટેની લેવાલીને ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૮૭૮.૭૦ ડૉલર અને ૧૮૯૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો જોવા મળવાની ધારણા સામે સાધારણ વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ તેના વલણમાં બદલાવ કરે તેવી શક્યતા ન હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં ટ્રેઝરીની યિલ્ડમાં થયેલા વધારાને જોતા ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ધૂંધળી જણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button