વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૪૮૨નો અને ચાંદીમાં રૂ. ૫૨૬નો ચમકારો

વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૪૮૨નો અને ચાંદીમાં રૂ. ૫૨૬નો ચમકારો


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક સપ્તાહની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૨૬નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૦થી ૪૮૨નો ચમકારો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૨૬ વધીને રૂ. ૮૦,૫૯૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮૦ વધીને રૂ. ૭૦,૦૯૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૮૨ વધીને રૂ. ૭૦,૩૭૨ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવ વધી આવ્યા હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ એક ટકા ઉછળીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૬૩.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ સાધારણ નરમાઈ સાથે ઔંસદીઠ ૨૫૦૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૭૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અને આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી આજે નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અથવા તો ફુગાવામાં ૦.૨ ટકા જેટલો વધારો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ જ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૦ ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર વ્યક્ત થઈ રહી છે. જો ફેડરલ રિઝર્વ અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તો સોનાના ભાવ ઝડપભે ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હાલના તબક્કે મધ્યપૂર્વનાં દેશોનાં તણાવને કારણે સોનાને સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે.

Back to top button