સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 372નો સુધારો, ચાંદી રૂ. 117 ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે આજે લંડન ખાતે નવા વર્ષ નિમિત્તે બજારો બંધ રહ્યાના અહેવાલ હતા.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમા 10 ગ્રામદીઠ રૂ. 371થી 372નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં ભાવમાં વધુ કિલોદીઠ રૂ. 117નો ઘટાડો આવ્યો હતો અને ભાવ કિલોદીઠ રૂ. 86,000ની અંદર ઊતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા સતત ધોવાણને કારણે આયાત પડતરોમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 371ના સુધારા સાથે રૂ. 76,228ના મથાળે અન 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 372 વધીને રૂ. 76,534ના મથાળે રહ્યા હતા.
આપણ વાંચો: વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1495ની અને સોનામાં રૂ. 149ની નરમાઈ
જોકે, આજે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી મર્યાદિત રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ.117 ઘટીને રૂ. 86,000ની અંદર ઊતરીને રૂ. 85,900ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે બજાર નવા વર્ષ નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી, પરંતુ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 2604.49 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને 2618.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.3 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 28.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ગઈકાલે રજાના માહોલમાં કામકાજો પાંખાં રહ્યા હતા અને તેમાં પણ વર્ષના અંતને કારણે પોઝિશન સરભર કરવા માટેના કામકાજો વધુ રહ્યા હોવાનું ઝેનર મેટલ્સના મેટલ સ્ટ્રેટેજિસ્ટ પીટર ગ્રાન્ટે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન વર્ષ 2025માં મુખ્યત્વે રાજકીય-ભૌગોલિક તણાવ ઊંચી સપાટીએ રહે તેવી શક્યતા અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનામાં માગ જળવાઈ રહેશે.
આપણ વાંચો: સોનામાં રૂ. 140ની અને ચાંદીમાં રૂ. 401ની પીછેહઠ
આ ઉપરાંત ટ્રમ્પના વહીવટીતંત્રમાં અમેરિકામાં દેવાની સ્થિતિ દબાણ હેઠળ અને ખાધ ઊંચી રહે તેમ હોવાને કારણે પણ સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત કેલેન્ડર વર્ષ 2024માં 31મી ઑક્ટોબરે સોનાના ભાવ ઐતિહાસિક ઊંચી આૈંસદીઠ 2790.15 ડૉલરની સપાટીએ પહોંચવાની સાથે વૈશ્વિક ભાવમાં વર્ષ 2010 પછીનો સૌથી મોટો 27 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
હવે બજારની નજર જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ પર રહેશે અને આ ડેટાઓના આધારે ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં કેવી નાણાં નીતિ અપનાવશે તેના તર્ક વિતર્કો પર સોનાના ભાવની વધઘટ અવલંબિત રહેશે.
આ ઉપરાંત આગામી 20મી જાન્યુઆરીથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિઓની પણ સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓની વધઘટ પર અસર જોવા મળશે, એવું બજાર વર્તુળોનું માનવું છે.
જોકે ગોલ્ડમેન સાશે આગામી વર્ષ 2025 દરમિયાન સોનામાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી જળવાઈ રહેતાં સોનાના વૈશ્વિક ભાવ વધીને આૈંસદીઠ 3000 ડૉલર પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.