આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર તૂટતાં વૈશ્વિક સોનું આગઝરતી તેજી સાથે 3200 ડૉલરની પાર
સ્થાનિક શુદ્ધ સોનું રૂ. 2913 ઉછળીને રૂ. 93,000ની પાર, ચાંદીમાં રૂ. 1958નો ચમકારો

મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ મુલતવી રાખ્યો છે, પરંતુ ચીનથી થતી આયાત સામે 125 ટકા ટેરિફ લાદતા ટ્રેડ વૉરની ભીતિ અને આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં વૈશ્વિક સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું છે.
વધુમાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાની તેજી વધુ વેગીલી બનતાં લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની મહાવીર જયંતીની જાહેર રજા પશ્ચાત્ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઉછાળો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2901થી 2913 ઉછળી આવ્યા હતા અને શુદ્ધ સોનાએ રૂ. 93,000ની સપાટી પાર કરી હતી. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1958ના ઉછાળા સાથે રૂ. 92,000ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીનો કરંટ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન સ્થાનિક વેરા રહિત 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2901 ઉછળીને રૂ. 92,701 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2913 ઉછળીને રૂ. 93,074ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને સ્થાનિક ડીલરોની લેવાલી શુષ્ક રહી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન 999 ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. 1958ની તેજી સાથે રૂ. 92,627ના મથાળે રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે મહાવીર જંયતી નિમિત્તે બજાર બંધ રહી હતી.
આ પણ વાંચો: ભારતના વિદેશી મુદ્રા ભંડારમા સતત વધારો, સોનાના ભંડારમા પણ ઉછાળો…
એકંદરે અમેરિકાની બૉન્ડની યિલ્ડમાં વધારો, મંદીની ચિંતા અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત ફુગાવો વધવાની ચિંતા જેવા પરિબળોને કારણે આજે લંડન ખાતે સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાનું જર્મની સ્થિત હૅરસ મેટલ્સના કિંમતી ધાતુઓનાં ટ્રેડર એલેક્ઝાન્ડર ઝુમ્પ્ફેએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3219.84 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 3214.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે બે ટકા ઉછળીને આૈંસદીઠ 3233.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 31.31 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે અમેરિકાની રેસિપ્રોકલ ટૅરિફ સામે ચીને 84 ટકા ટૅરિફ લાદી હોવાથી પુનઃ અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 150 ટકા ટૅરિફ લાદી હતી અને અન્ય દેશોથી થતી આયાત સામેની રેસિપ્રોકલ ટૅરિફ 90 દિવસ મોકૂફ રાખી હતી. એકંદરે આ વર્ષે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, રાજકીય-ભૌગોલિક તણાવ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડો અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 21 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. જોકે, હજુ બજારમાં આર્થિક વૃદ્ધિની ચિંતાનો માહોલ હોવાથી આગામી એકાદ મહિનામાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3400થી 3500 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા યુબીએસનાં એનાલિસ્ટે વ્યક્ત કરી હતી.