રૂપિયાની નબળાઇ અને ફેડરલના રેટ કટની આશા વચ્ચે સોનામાં સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

રૂપિયાની નબળાઇ અને ફેડરલના રેટ કટની આશા વચ્ચે સોનામાં સુધારો

મુંબઇ: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશા વચ્ચે બુલિયન બજારમાં ફરી સુધારો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં સાધારણ સુધારા સામે ચાંદીમાં સટ્ટાકીય માગના અભાવ વચ્ચે નેગેટીવ ટે્રન્ડ રહ્યો હતો. નોંધવું રહ્યું કે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો 88.25ની નવી નીચી સપાટીએ બોલાયો હતો. ટ્રમ્પ નવી ટેરિફ લાદશે એવી ભીતિ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે ભારતીય ચલણ પર દબાણ આવી રહ્યું છે.

ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના સંકેતો અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે કિમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. હેજિંગ માટે સોનાની માગ વધી છે. ગોલ્ડ ઈટીએફ પ્રવાહ પણ ઝડપથી વધ્યો છે. જેથી વૈશ્વિક સ્તરે સોનું 4000 ડોલર થવાની શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહી છે.

સ્થાનિક ઝવેરી બજારમાં 999 ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. 1,06,446ના સ્તરે ખૂલીને રૂ. 1,06,338ની સપાટીએ બંધ થયા હતા, જે રૂ. 1,05,945ના પાછલા બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 393નો સુધારો દર્શાવે છે. એ જ રીતે, 995 ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1,06,020ના સ્તરે ખૂલીને રૂ. 1,05,992ની સપાટીએ બંધ થયા હતા, જે તેના રૂ. 1,05,521ના પાછલા બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 391નો સુધારો દર્શાવે છે.

જોકે, .999 ટચની હાજર ચાંદીના ભાવ એક કિલોદીઠ રૂ.1,23,581ની સપાટીએ ખૂલીને રૂ. 1,23,170ની સપાટીએ બંધ થઈ હતી, જે તેના રૂ. 1,23,207ના પાછલા બંધ સામે રૂ. 37નો ધટાડો દર્શાવે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 900 રૂપિયાના વધારા સાથે 1,06,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયા હતા. સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદી અને મજબૂત વૈશ્વિક વલણોને કારણે ભાવ ફરી રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયા.

બુલિયન ડીલરોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ 16-17 સપ્ટેમ્બરના રોજ તેની આગામી નીતિ બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે તેવી ખાતરી વચ્ચે તેજી વધી રહી છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ શુક્રવારે 900 રૂપિયા વધીને 1,06,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) બોલાયું, જે અગાઉના 1,05,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.

હાલના જીએસટીના સુધારા રત્ન અને આભૂષણોના નિકાસકારોને માટે કોઈ સીધી અને તાત્કાલિક રાહત આપતા નથી અને આ ક્ષેત્રને તાજેતરના સુધારાઓમાંથી બહાર રાખવામાં આવ્યું છે, જેમાં વૈભવી વસ્તુઓ માટે 40 ટકાનો નવો દર રજૂ કરવામાં હોવાથી આ સુધારાઓ યુ.એસ. ટેરિફ્સના નકારાત્મક અસરને સમતોલ નથી કરતી, કારણ કે ઇનપુટ ખર્ચ અને અનુરૂપતા સંબંધિત ભાર યથાવત રહ્યો હોવાનું જણાવતાં ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડેએ કહ્યું હતું કે આમ છતાં, વપરાશને પ્રોત્સાહન આપવાના કેન્દ્રિત પ્રયાસો લાંબા ગાળે રત્ન અને દાગીના ક્ષેત્રને પરોક્ષ રીતે લાભ આપી શકે છે. 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા નવા દરો વપરાશમાં વધારો લાવવાની અપેક્ષા છે.

આ પણ વાંચો…પાઉન્ડ સામે રૂપિયાની ચાલ કેવી રહેશે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button