વેપાર

સોનામાં આભૂષણો માટેની માગ શુષ્ક, પરંતુ વધુ તેજીના આશાવાદે રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ…

અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 16-17 સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે શેષ વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025માં આર્થિક ડેટાઓને ધ્યાનમાં લઈને વધુ બે વખત વ્યાજદરમાં કપાતનાં સંકેતો આપતા વૈશ્વિક સોનામાં એકતરફી તેજીનો પવન ફૂંકાઈ ગયો હતો.

વધુમાં ગત શુક્રવારે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષાનુસાર વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ વ્યાજદરમાં વધુ કપાત મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનતા સોનાના વૈશ્વિક ભાવમાં અંદાજે 2.5 2.50 ટકાનો ઉછાળો નોંધાઈ ગયો હતો.

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન 56 પૈસાનું ધોવાણ થવાથી સોનાની આયાત પડતરો વધુ આવતા તેજી વેગીલી બની હતી અને સ્થાનિક સ્તરે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3487નો અથવા તો 3.17 ટકાનો ઝડપી ઉછાળો આવ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 19મી સપ્ટેમ્બરનાં 10 ગ્રામદીઠ રૂ. 1,09,775 સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,11,167ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,11,167 અને ઉપરમાં રૂ. 1,14,314ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 3487ની તેજી સાથે રૂ. 1,13,262ના મથાળે બંધ રહ્યા હતા.

એકંદરે ગત સપ્તાહે ફૂંકાયેલી ઝડપી તેજીમાં ખાસ કરીને આભૂષણો માટેની માગ ઓસરી ગઈ હતી, પરંતુ સોનાના સિક્કાઓ અને લગડીમાં વધુ ભાવવધારાના આશાવાદે રોકાણલક્ષી માગ પ્રબળ રહી હોવાનું એક સ્થાનિક હોલસેલરે જણાવતા ઉમેર્યું હતું કે સ્થાનિકમાં ડીલરો સોનાના વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ સાત ડૉલર પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હોવા છતાં રોકાણકારોની પ્રીમિયમ સાથે પણ ખરીદી જોવા મળી હતી.

વધુમાં મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સોનાની ટૅરિફ વૅલ્યુમાં ફેરફાર કર્યા હોવાથી ડ્યૂટીમાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા જ્વેલરો અને ડીલરોએ ગત સપ્તાહે આયાતમાં વધારો કર્યો હોવાનું જણાય છે. નોંધનીય બાબત એ છે કે આગામી સપ્તાહે સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દશેરાનો તહેવાર આવી રહ્યો છે અને ત્યાર બાદ ધનતેરસ અને દિવાળી જેવાં તહેવારો હોવાથી જ્વેલરી ઉત્પાદકોમાં રોકાણલક્ષી માગ વધુ રહે તેવો આશાવાદ બજાર વર્તુળો રાખી રહ્યા છે.

વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ હાજર માગ નિરસ રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 31 ડૉલરથી 71 ડૉલર આસપાસનાં ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચીન ખાતે ડિસ્કાઉન્ટમાં વધારો થયો હોવાનું મુખ્ય કારણ શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે જોવા મળેલો સુધારો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એકંદરે ગત સપ્તાહે સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 2.5થી ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં 5.36 ટકા જેટલો તોતિંગ ઉછાળો આવ્યો હતો. આથી સોના અને ચાંદી વચ્ચેનો રેશિયો અથવા તો સરાસરી જે 85.52 હતો તે ઘટીને 83.61 આસપાસની સપાટીએ રહ્યો હતો જે દર્શાવે છે કે સોનાની સરખામણીમાં ચાંદીની કામગીરી ઉત્કૃષ્ઠ છે.

વધુમાં સોનાને ખાસ કરીને ફેડરલના રેટ કટનો આશાવાદ ઉપરાંત ભૂરાજકીય તણાવને કારણે સલામતી માટેની માગ વધતાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની પ્રબળ માગનો ટેકો મળી રહ્યો હોવાથી ફંડોમાં આંતરપ્રવાહ વધીને 50 અબજ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નાટોએ એસ્ટોનિયા પર રશિયાના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનને આક્રમકતા લેખાવીને ચેતવણી આપી હતી કે તે સભ્યોના બચાવ માટે તમામ જરૂરી પગલાં લેશે.

જોકે, ગત સપ્તાહે અમેરિકાના બીજા ત્રિમાસિકગાળાનો જીડીપી વૃદ્ધિ બજારની અપેક્ષા કરતાં સારો 3.8 ટકાના સ્તરે રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી શક્યતા જણાતા સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા હતા, પરંતુ સપ્તાહના અંતે શુક્રવારે ઑગસ્ટ મહિનાના ફુગાવામાં વધારો થતાં પુનઃ વધુ રેટ કટની શક્યતા સપાટી પર આવતા ભાવઘટાડો ધોવાઈ ગયો હતો અને પુનઃ ભાવમાં મક્કમ વલણ જોવા મળ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું.

વધુમાં ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી પહેલી ઑક્ટોબરથી બ્રાન્ડેડ અને પેટન્ટેડ ફાર્માસ્યુટિકલ અને હેવી ડ્યૂટી ટ્રક અને કિચન કેબિનેટ સહિતનાં ફર્નિચર પર 100 ટકા ટૅરિફ અમલી થવાની જાહેરાત કરી હોવાથી વેપારની અનિશ્ચિતતા સપાટી પર આવતા સોનાની તેજીને ઈંધણ મળ્યું હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન પણ સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેતાં વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 3750 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 3825 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,08,600થી 1,15,000ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના ઑગસ્ટ મહિનાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર અથવા તો ફુગાવાના ડેટા બજારની અપેક્ષા મુજબના જ આવતાં ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકોમાં વ્યાજદરમાં કાપ મૂકવાનું વલણ જાળવી રાખે તેવી શક્યતા પ્રબળ બનતા ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા ઉછળીને 3778.62 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા

તેમ જ સાપ્તાહિક ધોરણે 2.50 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. તેમ જ સપ્તાહના અંતે સોનાના ડિસેમ્બર વાયદામાં ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 3809 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર અમેરિકામાં ગત ઑગસ્ટ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષાનુસાર જ વર્ષાનુવર્ષ ધોરણે 2.7 ટકાનો વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બની હોવાનું એક મેટલ ટ્રેડરે જણાવ્યું હતું.

વધુમાં ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર તથા ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી અનુક્રમે 88 ટકા અને 65 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો…સોનામાં રૂ. 87નો ઘસરકો, ચાંદી વધુ રૂ. 1060 ચમકી

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button