વેપાર અને વાણિજ્ય

ફેડરલની બેઠક પૂર્વે સોનામાં ₹289નો અને ચાંદીમાં ₹438નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ ₹288થી 289નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ ₹438નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન એક તબક્કે આઠ પૈસા ઘટ્યા બાદ ત્રણ પૈસાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતર વધવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ ₹438 ઘટીને ₹73,772ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની માગ પણ સુસ્ત રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ ₹288 ઘટીને ₹65,009 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ₹289 ઘટીને ₹65,270ના મથાળે રહ્યા હતા.


આવતીકાલથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનો આરંભ થવાનો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા હાજરમાં સોનાના ભાવઆગલા બંધ સામે 0.4% ઘટીને ઔંસદીઠ 2148.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5% ઘટીને 2151.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે 0.7% ઘટીને ઔંસદીઠ $25.19 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય બેઠકના અંતે વ્યાજદર તો યથાવત્ રાખે તેવી શક્યતા છે, પરંતુ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ આગામી જૂનથી વ્યાજદરમાં કપાતની શરૂઆતના સંકેત આપવાની સાથે વ્યાજદરમાં કપાતની ગતિ મંદ પાડવા અંગે કોઈ અણસાર આપે છે કે નહીં તેના પર બજાર વર્તુળો મીટ માંડીને બેઠા છે. વધુમાં રોકાણકારોની નજર આગામી ગુરુવારની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની નીતિવિષયક બેઠક પર છે. જોકે આ બેઠકના અંતે વ્યાજદર ૫.૨૫ ટકાની સપાટીએ જાળવી રાખે તેવી શક્યતા છે, જ્યારે સ્વિસ નેશનલ બૅન્ક વ્યાજદર ઘટાડે તેવી શક્યતા અમુક બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…