વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૬૧ની અને ચાંદીમાં રૂ. ૫૧૧ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારાની સાઈકલનો અંત આવ્યાના અણસારો સાથે આજે ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૧૧નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૧નો સુધારો આગળ ધપ્યો હતો. વધુમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો.


આજે સ્થાનિક સોનાચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૧૧ વધીને રૂ. ૭૩,૨૪૦ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૦ વધીને રૂ. ૬૧,૨૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૧ વધીને રૂ. ૬૧,૫૧૧ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જો ફુગાવો નિયંત્રણમાં રાખવાના પ્રયાસોમાં કોઈ અંતરાય જેવું જણાશે તો જ વ્યાજદરમાં વધારો કરવામાં આવશે એ બાબત પર અમેરિકી ફેડરલના અધિકારીઓ સંમત થયા હોવાનું ગત ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બરના રોજ યોજાયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં જાણવા મળતાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૧.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સત્ર દરમિયાન એક તબક્કે સોનાના ભાવ વધીને ત્રણ સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૨૦૦૭.૨૯ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સોનાના સુધારાને ટેકો આપી રહી હોવાનું સિટી ઈન્ડેક્સનાં વિશ્લેષક
મૅટ સિમ્પસને જણાવ્યું હતું. જોકે, હવે ૬૦ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button