ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે સોનામાં રૂ. ૧૦૦ની નરમાઈ
ચાંદીએ રૂ. ૨૨૧ની આગેકૂચ સાથે રૂ. ૯૩,૦૦૦ની સપાટી વટાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ભવિષ્યમાં ક્યારથી વ્યાજદરમાં કપાત શરૂ કરવામાં આવશે તેનાં અણસાર આપવામાં આવે છે કે નહીં તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વિશ્વ બજારથી વિપરીત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૨૧ની આગેકૂચ જળવાઈ રહી હતી અને ભાવ રૂ. ૯૩,૦૦૦ની સપાટી વટાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૧ વધીને રૂ. ૯૩,૦૯૪ના મથાળે રહ્યા હતા, જોકે ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્વિકનિરુત્સાહી અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ અને ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩,૮૧૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૪,૧૧૪ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને અનુક્રમે ૨૪૧૫.૩૩ ડૉલર અને ૨૪૧૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે રોકાણકારોની નજર મોડી સાંજે ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પર સ્થિર થઈ છે. જોકે, અંદાજે ૬૦ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં જાહેર થયેલા ફુગાવાના ડેટામાં પીછેહઠ જોવા મળી હતી. તેમ છતાં ફેડના નીતિઘડવૈયાઓનું માનવું છે કે ફેડરલ રિઝર્વ હજુ થોડો સમય ફુગાવામાં વધુ ઘટાડો થવાની રાહ જોશે અને વ્યાજદરમાં કપાત પહેલા ફુગાવો બે ટકાનાં લક્ષ્યાંક સુધી આવે તેવી તેઓની ધારણા છે.
હાલ વૈશ્વિક સોનામાં સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતના આશાવાદે ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી આસપાસ મજબૂત છે અને જો સલામતી માટેની માગ નીકળે તો ભાવમાં વધુ ચમકારો આવી શકે, એમ કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.