ચાંદી વધુ રૂ. 5917 તૂટી, સોનામાં રૂ. 757ની આગેકૂચ | મુંબઈ સમાચાર
Top Newsવેપાર

ચાંદી વધુ રૂ. 5917 તૂટી, સોનામાં રૂ. 757ની આગેકૂચ


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ
અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરની ચિંતા હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 754થી 757ની આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 13 પૈસા મજબૂત થયો હોવાથી આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5917ની પીછેહઠ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1.69 લાખની અંદર ઊતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીમાં નરમાઈ આગળ ધપતાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની પણ વધુ ભાવઘટાડાના આશાવાદે લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5917 ઘટીને રૂ. 1,68,083ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 754ના સુધારા સાથે રૂ. 1,26,961 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 757 વધીને રૂ. 1,27,471ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયામાં વધુ 13 પૈસાનો સુધારો

આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે આરંભમાં હાજર સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4235.41 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.2 ટકા વધીને 4252.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 52.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલના તબક્કે રોકાણકારોની નજર વિશ્વના બે મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીન વચ્ચેનાં વેપારો પર મંડાયેલી છે. ગઈકાલે અમેરિકી અધિકારીએ ચીન દ્વારા મહત્ત્વના ખનીજોની નિકાસ પર મૂકેલા નિયંત્રણોને વૈશ્વિક પુરવઠા ચેઈન સામેના ખતરા તરીકે ગણાવ્યા હોવાથી વૈશ્વિક આર્થિક સલામતી માટેની ચિંતા સપાટી પર આવતા સોનામાં સલામતી માટેની માગ વધતાં તેજી આગળ વધી રહી હોવાનું વિસ્ડમ ટ્રીનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ નિતેશ શાહે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 4200 ડૉલરથી ઉપરની સપાટી જાળવી રાખે તેવી શક્યતા નકારી ન શકાય.

આ પણ વાંચો: વૈશ્વિક સોનાએ 4100 ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં વધુ રૂ. 1997ની તેજી, ચાંદીમાં રૂ. 2775નો ચમકારો…

આ ઉપરાંત સોનાની તેજીને અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન, ફેડરલ રિઝર્વ દ્વારા વધુ રેટ કટ કરવામાં આવે તેવો આશાવાદ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડો તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી ઉપરાંત ડૉલર ઈન્ડેક્સની નબળાઈનો પણ ટેકો મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર અને ડિસેમ્બરની બન્ને નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી અનુક્રમે 98 ટકા અને 95 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button