સોનામાં સાપ્તાહિક ધોરણે 3.25 ટકાની આગઝરતી તેજી વચ્ચે નવરાત્રી-દશેરાની માગ શુષ્ક

ઘણાં જ્વેલરોએ ગ્રાહકને આકર્ષવા વન ગ્રામ ગોલ્ડના આભૂષણો સેલની સ્કીમ, રોકાણલક્ષી છૂટીછવાઈ માગ
અમેરિકામાં ગત સપ્તાહથી અમલી બનેલું ગવર્મેન્ટ શટડાઉન અથવા તો સરકારી કામકાજો થંભી જવાને કારણે ગત સપ્તાહે અમેરિકાના કોઈ આર્થિક ડેટાઓની જાહેરાત નહોતી થઈ તેમ જ આ શટડાઉન કેટલું ચાલશે તે અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 28-29 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધુ 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા અને યુક્રેન-રશિયા વચ્ચેનાં ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક બજારમાં સોનામાં વન વૅ તેજીનું વલણ જળવાઈ રહેતાં ગત ગુરુવારે ભાવ આૈંસદીઠ 3896.49 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચી ગયા હતા અને ભાવમાં સાપ્તાહિક ધોરણે ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ 14 વર્ષની ઊંચી સપાટી આસપાસ આૈંસદીઠ 47.96 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા.
વૈશ્વિક બજારમાં સોનામાં એકતરફી તેજીના માહોલમાં સ્થાનિક બજારમાં પણ આગઝરતી તેજી આગળ ધપી હતા. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણથી રૂપિયો સાપ્તાહિક ધોરણે સાત પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે સોનાની તેજીને વધુ ઈંધણ મળ્યું હતું . ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 26મી સપ્ટેમ્બરનાં રૂ. 1,13,262ના બંધ સામે સુધારાના અન્ટરટોને રૂ. 1,15,292ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,15,292ની સપાટી અને ઉપરમાં રૂ. 1,17,332ની નવી વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 3.25 ટકા અથવા તો રૂ. 3692ની ઝડપી તેજી સાથે રૂ. 1,16,954ના મથાળે બંધ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીજી ઑક્ટોબરે દશેરા અને ગાંધી જયંતી નિમિત્તે ઝવેરી બજાર સત્તાવાર ધોરણે બંધ રહી હોવાથી કામકાજના સત્ર માત્ર ચાર જ રહ્યા હતા.
આ પણ વાંચો: સોના-ચાંદીમાં સામસામા રાહ, ચાંદીમાં રૂ. 490ની આગેકૂચ, સોનામાં રૂ. 378નો ઘટાડો
સોનામાં ઊંચા મથાળેથી દશેરાની અપેક્ષિત માગનો વસવસો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉન વઘુ લંબાય તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ…
દરમિયાન ગત સપ્તાહે સોનાના ખરીદી માટેનાં શુકનવંતા ગણાતા નવરાત્રી તેમ જ દશેરાના તહેવારો હોવાથી સોના-ચાંદીમાં માગ ખૂલે તેવો આશાવાદ સેવી રહ્યા હતા, પરંતુ બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચી ભાવસપાટી જળવાઈ રહી હોવાથી અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો. અમુક સંગઠિત ક્ષેત્રનાં જ્વેલરોએ પ્રમાણમાં સારી માગનો અનુભવ કર્યો હતો, જ્યારે અમુક જ્વેલરોમાં શુકન પૂરતી લેવાલી જોવા મળી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર ઘણાં જ્વેલરોએ ગ્રાહકોને આકર્ષવા માટે `વન ગ્રામ ગોલ્ડ’ના આભૂષણો માટે સ્કીમ રાખવાની સાથે સાથે મજૂરી ખર્ચમાં પણ ડિસ્કાઉન્ટ આપવા જેવાં પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. જોકે, નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં કરેક્શન જોવા મળે તેવી શક્યતા બહુ પાતળી હોવાને કારણે બન્ને કિંમતી ધાતુઓમાં ખાસ કરીને સિક્કાઓ અને લગડીમાં રોકાણલક્ષી માગ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં હળવી નાણાનીતિ અપનાવે તેવા આશાવાદથી સલામતી માટેની અને રાજકીય તથા આર્થિક અનિશ્ચિતતાઓને લીધે ખૂલેલી હેજરૂપી માગ સોના અને ચાંદીની તેજી વેગ આપી રહી છે. જોકે, સોનાની સરખામણીમાં ચાંદીમાં મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારોની માગ પ્રબળ રહેતાં તેજી વધુ ઝડપી રહી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે અમેરિકામાં ખાનગી રોજગારીનાં ડેટા સતત બીજા મહિનામાં બજારની અપેક્ષા કરતાં નબળાં આવવાની સાથે ફેડરલ રિઝર્વ શેષ વર્ષ 2025માં વધુ બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે. વધુમાં ગત સપ્તાહથી અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન અમલી થવાથી સરકારી કામકાજોમાં તથા નોન ફાર્મ પૅ રૉલ ડેટા, ફુગાવાના ડેટા સહિતનાં આર્થિક આંકડાઓની જાહેરાતોમાં વિલંબીત થવાથી ફેડરલ રિઝર્વ પણ વ્યાજદરમાં કપાત અંગે કે ભવિષ્યની નીતિનું વલણ સ્પષ્ટ કરવામાં અવઢવ અનુભવે અથવા તો ડેટાની ગેરહાજરીમાં સચોટ નિર્ણય લેવામાં મર્યાદિત અવકાશ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. એકંદરે હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 3930 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને આૈંસદીઠ 3760 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે. તેમ જ સ્થાનિક સ્તરે પણ સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ જળવાઈ રહેતા સોનાના ઓનલાઈન વાયદામાં સપ્તાહ દરમિયાન ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,13,800થી 1,20,400ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: સોનામાં આભૂષણો માટેની માગ શુષ્ક, પરંતુ વધુ તેજીના આશાવાદે રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ…
વૈશ્વિક સ્તરે ભૂરાજકીય જોખમો, અમેરિકાની રાજકોષીય અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વની સ્વાયતત્તા અંગેની ચિંતા જેવા કારણોસર આગામી ટૂંકા સમયગાળામાં સોનામાં ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની ઉપર રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં એચએસબીસી બૅન્કે એક નોટ્સમાં જણાવતા ઉમેર્યું હતું કે કેન્દ્રવર્તી બૅન્કો તથા સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે વર્ષ 2026માં પણ તેજીનું વલણ જળવાઈ રહે તેમ જણાય છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર અમેરિકી શટડાઉન અને ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 3384.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે ગત ગુરુવારે ભાવ વધીને આૈંસદીઠ 3896.49 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ સાપ્તાહિક ધોરણે ભાવમાં ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેમ જ સોનાના ડિસેમ્બર વાયદામાં ભાવ આગલા બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 3908.9 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જો આગામી દિવસોમાં અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન લાંબા સમય સુધી ચાલશે તો સોનામાં મક્કમથી તેજીનું વલણ જળવાઈ તેવી શક્યતા છે, પરંતુ જો આશ્ચર્યજનક રીતે સરકારી કામકાજો પૂર્વવત્ થઈ જાય તો સોનાની તેજીને બે્રક લાગે અને પીછેહઠ જોવા મળે તેવી શક્યતા કિટકો મેટલ્સનાં વિશ્લેષક જિમ વાઈકોફે વ્યક્ત કરી હતી.