
ચાંદીમાં રૂ. 6256ની આગેકૂચ, સોનામાં રૂ. 165ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના ડિસેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાએ યુક્રેન પર વધારેલા હુમલા અને અમેરિકના વેનેઝુએલા, ગ્રીનલેન્ડ અને ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા આજે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4600 ડૉલરની વિક્રમ સપાટીની લગોલગ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.9 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 6256ની આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 165નો ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6256 વધીને રૂ. 2,63,032ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર રોકાણલક્ષી અને ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યા હતા. વધુમાં આજે સોનામાં ઊંચી સપાટીએથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ વિશ્વ બજારમાં ભાવ સાંકડી વધઘટે અથડાયેલા હોવાથી સ્થાનિકમાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 165 ઘટીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,39,722 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,40,284ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: વર્ષ 2025માં દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ રૂ. ચાર લાખ કરોડની પારઃ વૈશ્ણવ
નીતિવિષયક વલણ બદલવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ સમક્ષ કોઈ દબાણ ન હોવાનું ન્યૂયોર્ક ફેડના પ્રમુખ જ્હોન વિલિયમ્સે ગઈકાલે જણાવ્યું હોવાથી તેમ જ આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત થનાર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સાવચેતીના અભિગમ વચ્ચે ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.2 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4586.15 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.4 ટકાના ઘટાડા સાથે 4595.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 85.72 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ન્યૂયોર્ક ફેડના પ્રમુખે આપેલા તંગ નાણાનીતિના સંકેતો સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેવાથી તેમ જ રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટા પર હોવાથી સોનામાં સુધારો અટક્યો હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: યુરોપિયન યુનિયન ખાતે નિકાસમાં ઉભરી રહેલા સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ મુખ્ય દેશો
આજે રશિયાએ યુક્રેન પર તીવ્ર મિસાઈલ હુમલાઓ કર્યાના અહેવાલ ઉપરાંત અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતાં દેશોએ અમેરિકા સાથેના વેપારમાં 25 ટકા ટૅરિફનો સામનો કરવો પડશે એમ જણાવ્યું હોવાથી ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી સોનામાં મોટો ઘટાડો અટક્યો હતો.
વધુમાં ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું કે હાલ સોનાના ભાવ આૈંસદીઠ 4500 ડૉલર આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યા છે, પરંતુ ડૉલરમાં નબળાઈ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા વર્તમાન વર્ષ 2026નાં પહેલા છમાસિકગાળામાં ભાવ વધીને આૈંસદીઠ 5000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.



