રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૧૩૭નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકાનાં પીસીઆઈ (પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર) ડેટાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે ૦.૧ ટકાનો અને ૦.૨ ટકાનો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૦.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે પાંચ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૭નો અને ચાંદીના ભાવમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪નો ધીમો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હોવા છતાં વપરાશકાર ઉદ્યોગની માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪ વધીને રૂ. ૭૪,૦૧૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક બજારનાં મક્કમ અહેવાલ ઉપરાંત રૂપિયો નબળો પડવાથી આયાત પડતર વધી આવતા ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૭ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૬,૭૦૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૬,૯૭૧ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાના અહેવાલ હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની આવતીકાલે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૧૯૫.૭૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૧૯૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એક તરફ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કપાતના સંકેત આપ્યા છે. તેમ જ ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ અને રાતા સમુદ્રની કટોકટીની બજાર પર થઈ રહેલી માઠી અસર જેવાં પરિબળો સોનાની તેજીની તરફેણમાં હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ માઈક્રો વિભાગના હેડ લ્યા સ્પિવકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિ જોતા આ મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવ રેન્જ બાઉન્ડ રહેશે અને જો ભાવ ઔંસદીઠ ૨૨૨૫ની પ્રતિકારક સપાટી તોડશે તો ભાવ વધીને ૨૩૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.
જોકે, ગઈકાલે ફેડ ગવર્નર વૉલરે ગઈકાલ જણાવ્યું હતું કે તાજેતરનાં અમેરિકાના ફુગાવાના નિરુત્સાહી ડેટાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૬૨ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆતની ધારણા મૂકી રહ્યા છે.