
સ્થાનિકમાં સોનું રૂ. 2113 ઝળક્યું, ચાંદી રૂ. 1147 વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના માહોલ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4378 ડૉલર સુધી પહોંચ્યા બાદ ઘટીને 4332.17 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં ગત સપ્ટેમ્બર, 2008 પછીનો સૌથી મોટો આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 54 ડૉલરની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં સાપ્તાહિક ધોરણે 7.4 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2104થી 2113નો ઉછાળો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1147 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવ કિલોદીઠ રૂ. 1147 વધીને રૂ.1,69,230ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી અને જ્વેલરી ઉત્પાદકોની આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને છૂટીછવાઈ માગ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આયાત પડતરો પણ વધી આવતા હાજરમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2104 વધીને રૂ. 1,29,065 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2113 વધીને રૂ. 1,29,584ના મથાળે રહ્યા હતા. જોકે, હવે બજાર વર્તુળોની નજર ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં રિટેલ સ્તરની માગ કેવી રહે છે તેના પર સ્થિર થઈ છે.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૂરાજકીય તણાવ ઉપરાંત અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનની સ્થિતિમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષની શેષ બન્ને બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 4378.69 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને 4332.17 ડૉલર આસપાસ તથા ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ એક ટકા ઉછળીને આૈંસદીઠ 4345.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 54.47 ડૉલર સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે સાધારણ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 54 ડૉલરના મથાળે રહ્યા હતા.
એકંદરે આજે રેટ કટના આશાવાદ તથા અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરની ચિંતા હેઠળ સલામતી માટેની માગને ટેકે સોનામાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાનું એક ટ્રેડરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સોનામાં રિલેટીવ સ્ટ્રેન્થ ઈન્ડેકસ 88 આસપાસનો છે અને તે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. આથી આગામી ટૂંકા સમયગાળામાં કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે આગામી ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતને સમર્થન આપ્યું હોવાથી તેમ જ ચીને મહત્ત્વના ખનીજની નિકાસ પર મૂકેલા નિયંત્રણો માટે અમેરિકાને જવાબદાર લેખાવ્યું હોવાથી ટ્રેડ વૉર વકરવાની ભીતિ સપાટી પર આવતા સોનાની તેજીને પ્રેરકબળ મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.