વૈશ્વિક સોનાએ 4000 ડૉલરની સપાટી કુદાવી

સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. 2157ની આગઝરતી તેજી સાથે 1.22 લાખની પાર, ચાંદીએ રૂ. 3259ની તેજી સાથે રૂ. 1.52 લાખની સપાટી વટાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓ તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગ જળવાઈ રહેતાં સૌપ્રથમ વખત સોનાના ભાવે આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી કુદાવી હતી તેમ જ ચાંદીના ભાવ પણ ઑલ ટાઈમ હાઈ સપાટીની નજીક પ્રવર્તી રહ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2148થી 2157ની આગઝરતી તેજી આવી હતી અને શુદ્ધ સોનાના ભાવ 1.22 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 3259ની તેજી સાથે રૂ. 1.52 લાખની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3259ના ઉછાળા સાથે રૂ. 1,52,700ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2148ની તેજી સાથે રૂ. 1,21,609 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2157ની તેજી સાથે રૂ. 1,22,098ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ ણ વાંચો: સલામતી માટની માગને ટેકે વૈશ્વિક સોનાએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી દર્શાવી..
આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકાની તેજી સાથે આૈંસદીઠ 4034.73 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે એક તબક્કે ભાવ વધીને 4056.80 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ આૈંસદીઠ 49.51 ડૉલરની વિક્રમ સપાટીની લગોલગ 48.91 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત વર્ષ 2024માં સોનાના ભાવમાં 27 ટકાનો ઉછાળો આવ્યા બાદ આ વર્ષમાં અત્યાર સુધીમાં 54 ટકાની તેજી નોંધાઈ છે. તેમ જ અત્યાર સુધીમાં વળતરની દૃષ્ટિએ વૈશ્વિક ઈક્વિટી માર્કેટ અને બિટકોઈનની તુલનામાં સોનું આગળ નીકળી ગયું છે.
નિષ્ણાતોના મતાનુસાર સોનામાં જોવા મળેલી તેજી મુખ્યત્વે વ્યાજદરમાં કપાતનો આશાવાદ, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા, કેન્દ્રવર્તી બૅન્કોની વ્યાપક લેવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને આભારી છે. વધુમાં તાજેતરમાં અમેરિકી ગવર્મેન્ટ શટડાઉન અને ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર તથા ડિસેમ્બર મહિનાની પ્રત્યેક નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવા આશાવાદે સોનાની તેજીને વધુ ઈંધણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન અને રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાચાંદી વિક્રમ સપાટીએ
તાજેતરમાં સોનાની તેજીને ટેકો આપે તેવાં પરિબળોને ધ્યાનમાં લેતા વિસ્ડમ ટ્રીના સ્ટ્રેટેજિસ્ટ નિતેશ શાહે આગામી વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં સોનાના ભાવ આૈંસદીઠ 4530 ડૉલર આસપાસ રહે તેવી ધારણા વ્યક્ત કરી છે. વધુમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ 64 અબજ ડૉલરની સપાટીએ પહોંચ્યો છે, જેમાં માત્ર સપ્ટેમ્બર મહિનાનો આંતરપ્રવાહ 17.3 અબજ ડૉલરની સપાટીએ રહ્યો હોવાનું ઉમેર્યું હતું.