રૂપિયાની નબળાઇ અને ફેડરલના રેટ કટની આશા વચ્ચે સોનામાં સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

રૂપિયાની નબળાઇ અને ફેડરલના રેટ કટની આશા વચ્ચે સોનામાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશા વચ્ચે બુલિયન બજારમાં ફરી સુધારો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં સાધારણ સુધારા સામે ચાંદીમાં સટ્ટાકીય માગના અભાવ વચ્ચે નેગેટીવ ટ્રેન્ડ રહ્યો હતો. નોંધવું રહ્યું કે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૮૮.૨૫ની નવી નીચી સપાટીએ બોલાયો હતો. ટ્રમ્પ નવી ટેરિફ લાદશે એવી ભીતિ ઉપરાંત એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે ભારતીય ચલણ પર દબાણ આવી રહ્યું છે.

ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના સંકેતો અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. હેજિંગ માટે સોનાની માગ વધી છે. ગોલ્ડ ઈટીએફ પ્રવાહ પણ ઝડપથી વધ્યો છે. જેથી વૈશ્ર્વિક સ્તરે સોનું ૪૦૦૦ ડોલર થવાની શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો: નફારૂપી વેચવાલીએ વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએથી પાછું ફર્યું

સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૧,૦૬,૪૪૬ના સ્તરે ખૂલીને રૂ. ૧,૦૬,૩૩૮ની સપાટીએ બંધ થયા હતા, જે રૂ. ૧,૦૫,૯૪૫ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૩નો સુધારો દર્શાવે છે. એ જ રીતે, ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧,૦૬,૦૨૦ના સ્તરે ખૂલીને રૂ. ૧,૦૫,૯૯૨ની સપાટીએ બંધ થયા હતા, જે તેના રૂ. ૧,૦૫,૫૨૧ના પાછલા બંધ સામે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૧નો સુધારો દર્શાવે છે.

જોકે, .૯૯૯ ટચની હાજર ચાંદીના ભાવ એક કિલોદીઠ રૂ.૧,૨૩,૫૮૧ની સપાટીએ ખૂલીને રૂ. ૧,૨૩,૧૭૦ની સપાટીએ બંધ થઈ હતી, જે તેના રૂ. ૧,૨૩,૨૦૭ના પાછલા બંધ સામે રૂ. ૩૭નો ધટાડો દર્શાવે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ ૯૦૦ રૂપિયાના વધારા સાથે ૧,૦૬,૯૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બોલાયા હતા. સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદી અને મજબૂત વૈશ્ર્વિક વલણોને કારણે ભાવ ફરી રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયા.

બુલિયન ડીલરોએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ ૧૬-૧૭ સપ્ટેમ્બરના રોજ તેની આગામી નીતિ બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે તેવી ખાતરી વચ્ચે તેજી વધી રહી છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ શુક્રવારે ૯૦૦ રૂપિયા વધીને ૧,૦૬,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ (બધા કર સહિત) બોલાયું, જે અગાઉના ૧,૦૫,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button