વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પટકાયું: સોનું ₹ ૭૫,૦૦૦ની અંદર, ચાંદીમાં ₹ ૨૬૦૭નો કડાકો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર જળવાઈ રહ્યો હતો, જેમાં સોનાના ભાવ બે મહિનાના તળિયે પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં ૧.૨ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૩૨થી ૧૯૪૦ના ગાબડાં સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૬૦૭ના કડાકા સાથે રૂ. ૮૯,૦૦૦ની સપાટીની અંદર સરકી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક બજારના નિરુત્સાહી અહેવાલે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની વધુ ઘટાડાના આશાવાદે લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૬૦૭ના કડાકા સાથે રૂ. ૮૮,૨૫૨ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો :વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પહોંચતા સ્થાનિક સોનામાં રૂ. 1519નું ગાબડું, ચાંદી રૂ. 2554 તૂટી
તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૩૨ તૂટીને રૂ. ૭૪,૬૦૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૯૪૦ તૂટીને રૂ. ૭૪,૯૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, હવે ભાવમાં ઘટાડાની સાથે લગ્નસરાની મોસમ પણ ખૂલતા આગામી દિવસોમાં રિટેલ સ્તરની માગનો સળવળાટ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ રોકાણકારોની નજર આ સપ્તાહમાં જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત ફેડરના અધિકારીઓના નિવેદનો પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ગત ૨૦ સપ્ટેમ્બર પછીની નીચી ઔંસદીઠ ૨૫૯૬.૧૬ ડૉલરની સપાટી આસપાસ અને વાયદામાં ભાવ ૦.૬ ટકા ઘટીને ૨૬૦૨.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૨ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૩૦.૩૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાની ચૂંટણીના પરિણામો પશ્ર્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના ભાવિ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નીતિ ફુગાવા વૃદ્ધિલક્ષી હોવાની શક્યતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ કાપ મૂકે તેમ હોવાથી સોનામાં પીછેહઠ જોવા મળી રહી છે.
સામાન્યપણે ડૉનલ્ડ ટ્રમ્પ બીટકોઈનની તરફેણ કરતા હોવાથી બીટકોઈનમાં પણ રેકોર્ડ બ્રેક તેજીનું વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ભવિષ્યમાં બીટકોઈન સલામતી માટે સોનાનો વિકલ્પ બને તેવી શક્યતાને ધ્યાનમાં લેતા અમારા મતે આગામી વર્ષ ૨૦૨૫માં સોનાના ભાવમાં મોટી તેજી કે મોટી મંદી જોવા મળે તેવી શક્યતા નથી.