ટ્રમ્પ-જિનપિંગની સફળ મંત્રણા અને વ્યાજદરમાં કપાતની અનિશ્ચિતતાથી શાંત પડતી સોનાની તેજી | મુંબઈ સમાચાર
વેપાર

ટ્રમ્પ-જિનપિંગની સફળ મંત્રણા અને વ્યાજદરમાં કપાતની અનિશ્ચિતતાથી શાંત પડતી સોનાની તેજી

રમેશ ગોહિલ

તહેવારોની માગ ઓસરતા સ્થાનિકમાં સોનાના ભાવ સાત સપ્તાહ પછી પ્રીમિયમમાંથી ડિસ્કાઉન્ટમાં

ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતમાં વેપાર અંગેનાં ઘણાંખરા મુદ્દાઓ પર સહમતી સધાઈ હતી, જેમાં ખાસ કરીને ચીન અમેરિકાથી સોયાબીનની ખરીદી પુનઃ શરૂ કરવા, મહત્ત્વપૂર્ણ ખનીજ અથવા તો રેર અર્થ મિનરલ્સની નિકાસ પરનાં નિયંત્રણો એક વર્ષ સુધી મોકૂફ રાખવા સહિતની ઘણી બાબતો પર સહમત થયું હતું તેમ જ અમેરિકાએ પણ ચીનથી થતી આયાત સામેની ટૅરિફ જે 57 ટકા હતી તે ઘટાડીને 47 ટકા કરી હતી.

આ ઉપરાંત ટ્રમ્પ આગામી એપ્રિલ મહિનામાં ચીનની અને ત્યાર બાદ શિ જિનપિંગ પણ અમેરિકાની મુલાકાત લેશે એવું નક્કી થયું હતું. આમ એક તરફ વેપાર અંગેનો તણાવ હળવો થયો હતો, જ્યારે બીજી તરફ ગત 28 અને 29 ઑક્ટોબરના રોજ યોજાયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ બેઠક પશ્ચાત્‌‍ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ઘટાડા અંગેની શક્યતાઓ પાતળી હોવાનો નિર્દેશ આપ્યો હતો. આમ એક તરફ વેપાર અંગેનો તણાવ હળવો થવાની સાથે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતની સંભાવના ઓછી થવાથી સોનામાં સલામતી માટેની માગ ઓસરતા ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું અને તેજી શાંત પડી હતી.

દરમિયાન ગત સપ્તાહે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વિશ્વ બજાર પાછળ બન્ને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. જોકે, સાપ્તાહિક ધોરણે સોના અને ચાંદીના ભાવની વધઘટમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 24મી ઑક્ટોબરનાં રૂ. 1,21,518ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,22,402ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,18,043 અને ઉપરમાં રૂ. 1,22,402ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 0.61 ટકા અથવા તો રૂ. 748ના ઘટાડા સાથે રૂ. 1,20,770ના મથાળે બંધ રહ્યા હતા.

તે જ પ્રમાણે હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ ગત સપ્તાહના અંત અથવા તો ગત 24મી ઑક્ટોબરના કિલોદીઠ રૂ. 1,47,033ના બંધ સામે સુધારા સાથે રૂ. 1,48,030ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,41,896 અને ઉપરમાં રૂ. 1,49,212ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે કિલોદીઠ રૂ. 2092 અથવા તો 1.42 ટકા વધીને રૂ. 1,49,125ની સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.


એકંદરે ગત સપ્તાહે દિવાળીનાં તહેવારોની પૂર્ણાહુતિ સાથે સ્થાનિક સ્તરે માગ ઓસરી ગઈ હતી. તેમ જ ભાવમાં પણ ભારે ચંચળતા હોવાથી સપ્તાહ દરમિયાન રોકાણકારોની સિક્કા તથા લગડીમાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવ્યું હતું, એકંદરે સપ્તાહ દરમિયાન માગ મંદ પડવાથી સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 12 ડૉલર સુધીના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે સ્થાનિકમાં સતત સાત સપ્તાહ સુધી સોનાના ભાવ પ્રીમિયમમાં રહ્યા બાદ પહેલી વખત ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એકંદરે વૈશ્વિક સોનામાં ગત સપ્તાહે સતત બીજા સપ્તાહે ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હોવા છતાં માસિક ધોરણે સતત ત્રીજા મહિનામાં ભાવ વધી આવતાં 3.7 ટકા જેટલો વધારો નોંધાયો હતો. વાસ્તવમાં ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષમાં હવે રેટ કટની ઓછી શક્યતા ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે એક વર્ષ માટે સહમતી સધાઈ હોવાથી વેપાર અંગેની અનિશ્ચિતતાઓ અમુક અંશ સુધી હળવી થવાથી સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો, નફારૂપી વેચવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાની માગ નબળી પડતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, અત્યાર સુધીમાં વેપાર અંગેની અનિશ્ચિતતા, વૈશ્વિક ભૂરાજકીય તણાવ, ફેડરલ દ્વારા રેટકટનો આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલીને ટેકે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 50 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી 28 ટકા વધીને 220 ટનની સપાટીએ રહી હતી, જેમાં સૌથી વધુ ખરીદી કઝાકિસ્તાનની રહી હતી, જ્યારે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ બ્રાઝિલની ખરીદી જોવા મળી હતી. એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું કે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આક્રમક નાણાનીતિના સંકેતો આપતા વિશ્વ બજારમાં ઈક્વિટી, સોના અને બોન્ડ્સમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. અમારા મતાનુસાર આગામી સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ માટે આૈંસદીઠ 4380 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક અને 3880 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,17,000થી 1,30,000ની રેન્જમાં રહે તેમ જણાય છે.

ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ખાસ કરીને આગામી ડિસેમ્બરનાં રેટ કટની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4001.74 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને 3996 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


વધુમાં સપ્તાહના અંતે ફેડરલ રિઝર્વ બૅન્ક ઑફ ક્લેવલેન્ડ પ્રમુખ બેથ હેમેકે જણાવ્યું હતું કે ગત શુક્રવારે વ્યાજદરમાં કરેલી કપાતનો મે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ફેડરલે ફુગાવામાં ઘટાડો લાવવા માટે અમુક નિયંત્રણો જાળવી રાખવા જોઈએ. તેમ જ વ્યાજદરમાં કપાતને કારણે વર્ષ 2026માં હેમેકના આ નિવેદનથી સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક મેટલ ટ્રેડર તાઈ વૉન્ગે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં બજારની અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ ડિસેમ્બરમાં રેટ કટની શક્યતા ઓછી હોવાના અહેવાલ વહેતા થતાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો જે અગાઉ ડિસેમ્બરમાં વ્યાજદરની કપાતની શક્યતા 90 ટકા વ્યક્ત કરી રહ્યા હતા તે હવે ઘટીને 63 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં ગત સપ્તાહે મોર્ગન સ્ટેન્લીએ આગામી વર્ષ 2026ના પહેલા છમાસિકગાળામાં સોનાના સરેરાશ ભાવ આૈંસદીઠ 4300 ડૉલર આસપાસની સપાટીએ રહે તેવો અંદાજ મૂક્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button