વેપાર

વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 4378ની આગેકૂચ, સોનામાં રૂ. 422નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાના આર્થિક ડેટાઓ અપેક્ષા કરતાં મજબૂત આવવાની સાથે ભૂરાજકીય તણાવમાં પણ ઘટાડો થયો હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ગઈકાલે સ્થાનિક ઝવેરી બજાર મહાનગર પાલિકાની ચૂંટણીને કારણે બંધ રહી હોવાથી આજે હાજરમાં વિશ્વ બજારથી વિપરીત ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4378નો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 420થી 422નો ઘટાડો આવ્યો હતો.

આપણ વાચો: ટ્રમ્પ- પૉવૅલ વચ્ચેનો ગજગ્રાહ અને ભૂરાજકીય તણાવ વધતા વૈશ્વિક સોના-ચાંદી નવી ટોચે

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4378 વધીને રૂ. 2,81,890ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 420 ઘટીને રૂ. 1,41,026 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 422 ઘટીને રૂ. 1,41,593ના મથાળે રહ્યા હતા. એકંદરે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 44 પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 4600.49 ડૉલર અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4604.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.9 ટકા ઘટીને 90.53 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાચો: અમેરિકા-વેનેઝુએલા વિવાદ વચ્ચે સોના-ચાંદી ઝળક્યાં સ્થાનિક સોનામાં રૂ. 1386નો અને ચાંદીમાં રૂ. 2513નો ચમકારો…

અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યા 9000 ઘટીને 9.98 લાખની સપાટીએ રહી હોવાના અહેવાલ હતા. જોકે, બજાર વર્તુળોની ધારણા 2.15 લાખની હતી. આમ એકંદરે બેરોજગારીના ડેટા અપેક્ષા કરતા સારા આવ્યા હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ છ સપ્તાહની ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં ભૂરાજકીય તણાવ પણ હળવો થવાથી સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું હાજરમાં કાર્સ્ટન મેન્કેનાં વિશ્લેષક જુલિયસ બૅરે જણાવ્યું હતું.

વધુમાં ગત સોમવારથી ઈરાન ખાતે પ્રદર્શનકારીઓએ દેખાવો બંધ કર્યાના નિર્દેશો સાથે આજે સલામતી માટેની માગ નબળી પડી હતી. જોકે, આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બે ટકાનો અને ચાંદીના ભાવમાં 13 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. જોકે, ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ પ્રબળ હોવાથી સટ્ટોડિયાઓ ભાવ આૈંસદીઠ 100 ડૉલર સુધી પહોંચે તેવો અંદાજ મૂકી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button