રૂપિયામાં સુધારો આવતા સોનામાં વિશ્વ બજારથી વિપરીત રૂ. 392નો ઘસરકો, ચાંદી રૂ. 900 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષિતપણે ઘટાડો કર્યો હોવા છતાં ફુગાવાની ઊંચી સપાટીની ચિંતા વ્યક્ત કરી હોવાથી ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની ગતિ ધીમી રહે તેવી શક્યતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસા જેટલો સુધારો જોવા મળ્યો હોવાથી ખાસ કરીને સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 391થી 392નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 900ની આગેકૂચ જળવાઈ રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 900ના સુધારા સાથે રૂ. 1,28,000ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાથી સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોથી વિપરીત ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 391ના ઘટાડા સાથે રૂ. 1,09,335 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 392 ઘટીને રૂ. 1,09,775ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા છૂટીછવાઈ લેવાલીનો ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 3655.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 0.4 ટકાની તેજી આવી છે. તેમ જ આજે સોનાના વાયદામાં પણ ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 3688.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ એક ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 42.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે રોકાણકારો ફેડરલ રિઝર્વથી ભવિષ્યની નાણાનીતિમાં કેવુ વલણ અપનાવવામાં આવે તેનાં સંકેતોની રાહ જોઈ રહ્યા છે. તેમ છતાં તાજેતરનાં રેટકટના નિર્ણય તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેતાં ભાવના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું નેમો મનીનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ હૅન ટૅને જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે ભાવ આૈંસદીઠ 3600 ડૉલરની નીચે જાય તેવી શક્યતા બહુ પાતળી છે. નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે સોનાના ભાવ આૈંસદીઠ 3707.40 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.
આ વર્ષમાં અત્યાર સુધીમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો છે અને આ વલણ ભવિષ્યમાં પણ જળવાઈ રહેતાં આગામી વર્ષે સોનાના ભાવ આૈંસદીઠ 4300 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિસ્ડમ ટ્રીનાં કૉમોડિટી સ્ટ્રેટેજિસ્ટ નિતેશ શાહે વ્યક્ત કરી હતી.