સોનામાં ₹ પાંચનો સાધારણ સુધારો, ચાંદી ₹ ૧૦૩ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના સાધારણ ઘટાડા સાથે પાંચ મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા. તેમ જ ચાંદીમાં પણ ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક બજારનાં નરમાઈતરફી અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. પાંચનો સાધારણ સુધારો આવ્યો હતો.
તેમ જ ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૩ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગત શુક્રવારના વિશ્ર્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી લેવાલી જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૩ની આગેકૂચ સાથે રૂ. ૭૨,૦૯૪ના મથાળે રહ્યા હતા. જોકે, ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે સોનાના ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ સાધારણ ઘટીને બંધ રહ્યા બાદ આજે લંડન ખાતે સાંકડી વધઘટે ટકેલા રહેતાં પાંખાં કામકાજો અને રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. પાંચના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૪૫૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૬૯૮ના મથાળે રહ્યા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ વકરે તેવી ભીતિ હેઠળ ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનામાં સલામતી માટેની પ્રબળ માગ રહેતાં ભાવમાં તેજીનુ વલણ જળવાઈ રહેતાં એક તબક્કે ભાવ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ છેલ્લા એક પખવાડિયામાં સોનાના ભાવમાં નવ ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેકસ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ આસપાસ ઔંસદીઠ ૧૯૮૧.૧૪ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૯૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૨૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાથી સોનામાં સલામતી માટેની માગમાં વધારો થયો છે આથી ગત ૧૭ ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહે ન્યૂ યોર્કના કૉમૅક્સ વિભાગ પર સોનાના દુર ડિલિવરીના ઊભા ઓળિયાની સંખ્યા વધીને ૪૧,૮૬૭ની સપાટીએ પહોંચી હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર ઈઝરાયલ-હમાસના યુદ્ધ ઉપરાંત અમેરિકાના ફુગાવાના ડેટા અને ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના વ્યાજદર વધારા અંગેના નિર્ણય પર મંડાયેલી રહેશે.