સોનામાં ₹ ૯૩નો અને ચાંદીમાં ₹ ૯૮૧નો સુધારો, વેપાર પાંખાં
મુંબઈ: આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વની ૬-૭ નવેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક અહેવાલને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩થી ૯૩નો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૯૮૧નો ઉછાળો આવ્યો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં ગત શનિવારે મુહૂર્તના કામકાજોમાં ખાસ કરીને શુક્રવારના ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૧૭થી ૧૧૩૨નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૧૬૯નું ગાબડું પડ્યું હતું. આજે સ્થાનિકમાં સપ્તાહના આરંભે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩ વધીને રૂ. ૭૮,૨૦૪ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૯૩ વધીને રૂ. ૭૮,૫૧૮ મથાળે રહ્યા હતા. જોકે, હવે તહેવારોની માગ ઓસરી જતાં જ્વેલરો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી. વધુમાં વિશ્ર્વ બજાર પાછળ ગત શનિવારે ૯૯૯ ટચ ચાંદીમાં કિલોદીઠ રૂ. ૩૧૬૯નું ગાબડું પડ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૮૧ના બાઉન્સબૅક સાથે રૂ. ૯૪,૪૮૨ના મથાળે રહ્યા હતા.
આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામો તેમ જ ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકશે તો કેટલો મૂકશે તેની અનિશ્ર્ચિતતા વચ્ચે આજે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૭૪૦.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ ૨૭૪૯.૮૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ જે આગલા સત્રમાં બે સપ્તાહની નીચી સપાટીએ ગગડી ગયા બાદ આજે ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૩૨.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આગામી સમયગાળામાં ખાસ કરીને ચૂંટણીના પરિણામો, પરિણામોમાં વિલંબ, અમેરિકી હાઉસ અને સેનેટની સત્તાનું નિયંત્રણ કોના હાથમાં રહેશે તેવી અનિશ્ર્ચિતતાઓ સોનાને સુધારાનો ટેકો આપતી રહેશે, એમ કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.