વેપાર

રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું નવી ટોચે…

સ્થાનિકમાં સોનું રૂ. 1802ની તેજી સાથે રૂ.90,000ની પાર,ચાંદી રૂ. 1060 તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આગામી બીજી તારીખે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે આજે વિશ્વ બજારમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે ભાવ વધીને આૈંસદીઠ 3148.88 ડૉલરની સપાટી સુધી પહોંચીને પાછાં ફર્યા હતા, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં ગત શુક્રવારની સરખામણીમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1795થી 1802ની તેજી સાથે રૂ. 90,000ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. 1060નો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં તેજીનું વલણ રહેતાં હાજરમાં 995 ટચ સોનાના ભાવ ગત શુક્રવારની સરખામણીમાં 10 ગ્રામદીઠ રૂ. 1795ની તેજી સાથે રૂ. 90,602 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1802 વધીને રૂ. 90,966ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ જ આજે વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1060ના ઘટાડા સાથે રૂ. એક લાખની સપાટીની અંદર ઉતરીને રૂ. 99,832ના મથાળે રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ઈદની જાહેર રજાને કારણે સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધારણો બંધ હોવાથી ભાવની કોઈ જાહેરાત નહોંતી થઈ. આવતીકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરનાર છે અને તેને કારણે વિશ્વ બજારમાં ટ્રેડ વૉર સર્જાવાની ભીતિ સપાટી પર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની પ્રબળ માગ રહેતાં હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3148.88 ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 3125.69 ડૉલર અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને 3153.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા,

જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 33.83 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
રેસિપ્રોકલ ટેરિફને પગલે વિશ્વ બજારમાં ટ્રેડ વૉરની સ્થિતિ નિર્માણ થવાની સાથે આર્થિક અનિશ્ચિતતા સપાટી પર આવતા રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં સોનાનો ઉમેરો કરી રહ્યા હોવાથી તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સોનું આૈંસદીઠ 3200 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે માર્ચ મહિનાના અંતે વૈશ્વિક સોનામાં ત્રિમાસિક ધોરણે વર્ષ 1986 પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

હાલમાં સોનાનાને ખાસ કરીને રેટ કટના આશાવાદને ધ્યાનમાં લેતાં કેન્દ્રવર્તી બૅન્કોની નીકળેલી સોનામાં લેવાલી, મધ્ય પૂર્વ અને યુરોપમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોની સોનામાં રહેતી લેવાલીનો પણ ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ટેક્નિકલ ધોરણે સોનાનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 70 ઉપરની સપાટીએ રહ્યો છે, જે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે, પરંતુ આવતીકાલે ટેરિફની જાહેરાત પશ્ચાત્‌‍ અને ત્રીજી એપ્રિલથી ઑટોમોબાઈલ ટેરિફના અમલ બાદ સોનામાં પુલબેક જોવા મળે છે કે નહીં તે જોવું રહ્યું, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, આજે ટ્રેડરોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર પણ સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button