વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પહોંચતા સ્થાનિક સોનામાં રૂ. 1519નું ગાબડું, ચાંદી રૂ. 2554 તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામો પશ્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર જળવાઈ રહ્યો હતો, જેમાં સોનાના ભાવ બે મહિનાના તળિયે પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં 1.3 ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1513થી 1519ના ગાબડાં સાથે રૂ. 76,000ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.2554 તૂટીને રૂ. 89,000ની સપાટીની અંદર સરકી ગયા હતા.
Also read: વિશ્વ બજાર પાછળ સોનામાં વધુ રૂ. 355નો અને ચાંદીમાં રૂ. 297નો ઘટાડો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની વધુ ઘટાડાના આશાવાદે લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2554ના કડાકા સાથે રૂ. 88,305ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1513 તૂટીને રૂ. 75,019 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1519 તૂટીને રૂ. 75,321ના મથાળે રહ્યા હતા. જોકે, હવે ભાવમાં ઘટાડાની સાથે લગ્નસરાની મોસમ પણ ખૂલે તેમ હોવાથી આગામી દિવસોમાં રિટેલ સ્તરની માગનો સળવળાટ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ રોકાણકારોની નજર આ સપ્તાહમાં જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત ફેડરના અધિકારીઓના નિવેદનો પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા ઘટીને ગત 20 સપ્ટેમ્બર પછીની નીચી આૈંસદીઠ 2597.91 ડૉલરની સપાટી આસપાસ અને વાયદામાં ભાવ 0.5 ટકા ઘટીને 2604.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.3 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 30.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: Mukesh Ambani આ રાજ્યમાં કરશે 65,000 કરોડનું રોકાણ, રોજગારીની તકો વધશે
અમેરિકાની ચૂંટણીના પરિણામો પશ્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના ભાવી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નીતિ ફુગાવા વૃદ્ધિલક્ષી હોવાની શક્યતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ કાપ મૂકે તેમ હોવાથી સોનામાં પીછેહઠ જોવા મળી રહી છે.
સામાન્યપણે ડૉનલ્ડ ટ્રમ્પ બીટકોઈનની તરફેણ કરતા હોવાથી બીટકોઈનમાં પણ રેકોર્ડ બે્રક તેજીનું વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ભવિષ્યમાં બીટકોઈન સલામતી માટે સોનાનો વિકલ્પ બને તેવી શક્યતાને ધ્યાનમાં લેતા અમારા મતે આગામી વર્ષ 2025માં સોનાના ભાવમાં મોટી તેજી કે મોટી મંદી જોવા મળે તેવી શક્યતા નથી.
Also read: વિશ્ર્વ બજાર પાછળ સોનું વધુ ₹ ૫૪૨ તૂટીને ₹ ૭૭,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૨૭૧ ઘટી
સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ ખૂલતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી ધાતુમાં માગ મર્યાદિત થઈ જતી હોય છે. જોકે,સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 65 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ટ્રમ્પના વિજય પૂર્વે આ શક્યતા 80 ટકા દર્શાવાઈ રહી હતી.