વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 596ની આગેકૂચ, ચાંદી રૂ. 1154 ઉછળી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ બે સપ્તાહની ટોચે પહોંચ્યા બાદ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહ્યું હોવાથી તેમ જ રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં સાધારણ 0.1 ટકાનો ઘટાડો અને ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 594થી 596ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1154નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1154ના ઉછાળા સાથે રૂ. 1,13,576ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 594ની તેજી સાથે રૂ. 1,00,269 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 596 વધીને રૂ. 1,00,672ના મથાળે રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં 21 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે ન્યૂયોર્ક ખાતે ખાસ કરીને નબળા રોજગારના ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ દ્વારા સપ્ટેમ્બરમાં રેટ કટ કરવાનો આશાવાદ સપાટી પર આવતા હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાધારણ 0.1 ટકાના ઘટાડા સાથે અનુક્રમે આૈંસદીઠ 3376.69 ડૉલર અને 3432.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 37.85 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.
એકંદરે હાલમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં સુધારો મર્યાદિત રહેતાં ભાવ અથડાઈ રહ્યા હોવાનું ટેસ્ટીલાઈવનાં ગ્લોબલ મેક્રા વિભાગના હેડ ઈલ્યા સ્પિવિકે જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરલનાં ગવર્નર એડ્રિયાના કુગલર જેણે ગત શુક્રવારે રાજીનામું આપ્યું હતું તેને સ્થાને ટૂંક સમયમાં અન્યની નિયુક્તિ કરવામાં આવશે તેમ જ ફેડરલનાં નવા અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હોવાથી હવે રોકાણકારોની નજર નવી નિયુક્તિઓ પર સિસ્સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કપાત કરવામાં આવે તેવી 88 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં ગત જુલાઈ મહિનામાં પર્થની સોનાની ખાણમાંથી સોનાના ઉત્પાદનોનું વેચાણ આગલા મહિનાની સરખામણીમાં 33 ટકા ઘટ્યું હોવાના તેમ જ ચાંદીનું વેચાણ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હોવાના અહેવાલ હતા.
આપણ વાંચો: જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.