વેપાર

વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી મક્કમ વલણ રહેતાં સોનામાં રૂ. ૨૬૧ની અને ચાંદીમાં રૂ. ૧૦૦૩ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને સપ્તાહના અંતના જેક્સન હૉલ ખાતેનાં વક્તવ્યમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વ્યાજદરમાં કપાતનો અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની મીટ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે સાધારણ પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્ર્વિક બજારનાં મક્કમ અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૦થી ૨૬૧ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૦૩ની આગેકૂચ જોવા મળી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦૩ની આગેકૂચ સાથે રૂ. ૮૪,૨૯૪ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૦ વધીને રૂ. ૭૧,૦૮૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૧ વધીને રૂ. ૭૧,૩૬૯ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભમાં સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટીની લગોલગ ૨૫૦૩.૦૫ ડૉલર અને વાયદામાં ભાવ ૨૫૪૦.૯૦ ડૉલરના મથાળે ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઊંચા મથાળેથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૩૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે એશિયન બજારમાં સોનામાં તેજી થાક ખાઈ રહી હોય તેમ ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ ટેક્નિકલ દૃષ્ટિએ આંતરપ્રવાહ મજબૂત જ છે અને ભાવ ઔંસદીઠ ૨૬૬૫ ડૉલર સુધી પહોંચી શકે તેમ હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ જૂન રૉન્ગે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને મધ્યપૂર્વનાં દેશોમાં તણાવને કારણે સલામતી માટે સોનામાં માગ જળવાઈ રહેતાં આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨૦ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.

તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં અર્થશાસ્ત્રીઓએ અમેરિકામાં મંદીની શક્યતાને નકારી કાઢતા એવું મંતવ્ય જાણવા મળ્યું હતું કે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ની શેષ ત્રણેય નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે. હાલમાં ટ્રેડરોની નજર ગત જુલાઈ મહિનાની નીતિવિષયક બેઠકની આવતીકાલે જાહેર થનારી મિનિટ્સ પર તેમ જ સપ્તાહના અંતે જેક્સન હૉલ ખાતેનાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્ત્વય પર સ્થિર થઈ છે. જોકે, છ્લ્લાં કેટલાક સમયથી સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણકારોનાં આંતરપ્રવાહમાં વધારો થતાં ગત સોમવારનાં રોજ વિશ્ર્વના સૌથી મોટા સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ વધીને સાત મહિનાની ઊંચી ૮૫૯ ટનની સપાટીએ પહોંચ્યું હોવાના અહેવાલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button