(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ચાર ટકાની ઉપરની સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬નો ઘટાડો આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૨૬ ઘટીને ફરી રૂ. ૭૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ શુષ્ક રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૨૬ના ઘટાડા સાથે રૂ. ૭૧,૭૧૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૪૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૬૬૧ના મથાળે રહ્યા હતા.
આજે મોડી સાંજના અમેરિકી ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફરના વક્તવ્ય પૂર્વે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ પણ ચાર ટકાની સપાટીની ઉપર પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૪૮.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકાના સુધારા સાથે ૨૦૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે રોકાણકારોની નજર અમેરિકા ખાતે બ્રોકિંગ ઈસ્ટિટ્યુશનમાં ફેડરલ રિઝર્વનાં ગવર્નર ક્રિસ્ટોફર વૉલર અને અમેરિકી ફેડરલના છ અધિકારીઓનાં આર્થિક ભાવિ અંગેનાં વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી તેમ જ ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સિટી ઈન્ડેક્સનાં વિશ્લેષક સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે બજાર વર્તુળો વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ ઘણી વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે, પરંતુ જો આજના વક્તવ્યમાં ક્રિસ્ટોફર વૉલર બજારના આશાવાદ પર પાણી ફેરવશે તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૦૩૫ ડૉલર સુધી પહોંચે તો નવાઈ નહીં.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...