રૂપિયાની મજબૂતી અને વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 548 તૂટી, સોનામાં રૂ. 49નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં એક તબક્કે ભાવ આૈંસદીઠ 3057.21 ડૉલરની નવી ઊંચી સપાટી નોંધાવીને પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે બન્ને કિંમતી ધાતુઓમાં પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 548નો ઘટાડો આવ્યો હતો. જોકે, ગઈકાલે વિશ્વ બજારમાં સોનાના ભાવ નવી ટોચેથી પાછા ફર્યા હોવાથી તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 31 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી ભાવ સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 49 ઘટી આવ્યા હતા.
આ પણ વાંચો: વર્ષ 2025માં બે રેટ કટનાં ફેડરલના સંકેતે વૈશ્વિક સોનું નવી ટોચે
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 548ના ઘટાડા સાથે રૂ. 97,844ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્વિક નરમાઈતરફી અહેવાલ અને રૂપિયો મજબૂત થવાથી ભાવ સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 49ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 88,103 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 88,457ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3057.21 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 3028.77 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 3035.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 1.50 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.4 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 33.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે એશિયન બજારોમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખીને વર્ષના અંત આસપાસ વ્યાજદરમાં બે વખત ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા. તેમ છતાં ટ્રમ્પની ટેરિફની અનિશ્ચિતતા અને ફુગાવો વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા રેટ કટનો આધાર ડેટા પર અવલંબિત રહેવાની શક્યતા ફેડરલના અધ્યક્ષે વ્યક્ત કરી હતી.
તાજેતરમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે વધેલા તણાવ ઉપરાંત અમેરિકાની ટેરિફ નીતિને કારણે ફુગાવો વધવાની તેમ જ અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ભીતિ જેવા કારણોસર સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનામાં પુલબેક રેલી પશ્ચાત્ ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે રાજકીય-ભૌગોલિક અને આર્થિક અનિશ્ચિતતાનાં સમયગાળામાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગનો ટેકો મળતો હોય છે.